દહેજ અદાણી પોર્ટ સાઇડિંગથી લાતૂર માટે પ્રથમ ખાતર રેકનું લોડિંગ – વડોદરા મંડળની ઐતિહાસિક સિદ્ધિ


સમીર પટેલ, ભરૂચ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળએ માલ પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે દહેજ અદાણી પોર્ટ સાઇડિંગથી લાતૂર માટે પ્રથમ મિની BCN (બીસીએન) ખાતર રેકનું સફળતાપૂર્વક લોડિંગ કરવામાં આવ્યું છે. દહેજ અદાણી પોર્ટ સાઇડિંગ અત્યાર સુધી મુખ્યત્વે કોલસાના લોડિંગ કેન્દ્ર તરીકે જાણીતી રહી છે. આવા સંજોગોમાં અહીંથી પ્રથમ વખત ખાતરનું લોડિંગ થવું મંડળ માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે
મંડળ રેલ પ્રબંધક રાજૂ ભડકેના કુશળ નેતૃત્વ હેઠળ આ પગલું ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્તમ ઉપયોગ તથા નવા માલ પરિવહનને આકર્ષવા માટેની મહત્વપૂર્ણ પહેલ છે. આ સિદ્ધિનો પાયો ડિસેમ્બર 2025માં શ્રી રાજૂ ભડકે દ્વારા સાઇડિંગના નિરીક્ષણ દરમિયાન મૂકવામાં આવ્યો હતો. તેમણે નિરીક્ષણ સમયે સાઇડિંગની ક્ષમતાનો વધુ સારો ઉપયોગ કરીને નવા પ્રકારના માલ પરિવહનને આકર્ષવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તે જ અનુસંધાનમાં કોલસા સાઇડિંગમાંથી ખાતર લોડિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે આજે હકીકત બન્યો છે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, 4 જૂન 2026ના રોજ દહેજ અદાણી પોર્ટથી લાતૂર માટે મોકલાયેલી આ પ્રથમ ખાતર રેકમાં 21 વેગન ધરાવતી મિની BCN ખાતર રેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રેક અંદાજે 926 કિલોમીટરનું અંતર કાપશે અને આ પરિવહનથી રેલવે મંડળને અંદાજે ₹20.54 લાખનું માલભાડું આવકરૂપે પ્રાપ્ત થશે. આયાત કરાયેલા ખાતરની આ ખેપ કૃષિ ક્ષેત્રની જરૂરિયાતોને સમયસર અને સુરક્ષિત રીતે પૂરી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
લાતૂર માટે પ્રથમ ખાતર રેકનું સફળ પ્રેષણ માત્ર વડોદરા મંડળની વ્યાવસાયિક દૂરદર્શિતા અને નવીનતાને જ દર્શાવતું નથી, પરંતુ તે એ પણ સાબિત કરે છે કે હાલની રેલવે સંપત્તિઓનો અસરકારક ઉપયોગ કરીને નવા વ્યાપારિક અવસરોનું સર્જન કરી શકાય છે. આ સિદ્ધિ દહેજ અદાણી પોર્ટ સાઇડિંગ માટે એક નવી શરૂઆત સમાન છે અને ભવિષ્યમાં વિવિધ પ્રકારના માલ પરિવહનને આકર્ષવાની અપરિમિત સંભાવનાઓના દ્વાર ખોલે છે.
વડોદરા મંડળ ગ્રાહકોને વધુ સારી માલ પરિવહન સેવાઓ પ્રદાન કરવા, પરિચાલન કાર્યક્ષમતા વધારવા તથા રેલવેના માલવ્યવસાયને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે.


