સુરત-મુંબઈ નેશનલ હાઈવે પર અસમાન રસ્તા અકસ્માતોને આમંત્રણ: વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સુરતથી મુંબઈ જતાં નેશનલ હાઈવે પર આવેલા કેટલાક ઓવરબ્રિજ વિસ્તારોમાં ગંભીર અસમાનતાને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે નવસારી જિલ્લાના સામાજિક આગેવાન ડૉ. નિરવ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે સુરત-મુંબઈ લેન પર આવેલા પારનેરા અને સોનવાડા ઓવરબ્રિજ ઉપર રસ્તાની સપાટી અત્યંત અસમાન બની ગઈ છે. પરિણામે વાહનોનું સંતુલન બગડવાની અને ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સતત વધી રહી છે. ખાસ કરીને ભારે વાહનો તથા બે-વ્હીલર ચાલકો માટે આ સ્થળો અકસ્માત સર્જાય તેવા બની ગયા હોવાનું જણાવાયું છે.
ડૉ. નિરવ પટેલે રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે કે ચોમાસાની ઋતુ નજીક હોવાથી વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં આ અસમાન રસ્તાઓ વધુ જોખમી બની શકે છે. જેના કારણે જાનહાનિ તેમજ ગંભીર અકસ્માતોની સંભાવના વધી શકે છે.
તેમણે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટરને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી સંબંધિત વિભાગોને જરૂરી મરામત અને સમારકામની કામગીરી હાથ ધરવા સૂચના આપવા વિનંતી કરી છે.
સ્થાનિક વાહનચાલકો અને નાગરિકોમાં પણ આ સમસ્યાને લઈને ચિંતા વ્યાપી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઈવે પરના જોખમી સ્થળોનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
તસ્વીર: પ્રતિકાત્મક


