આણંદ જિલ્લામાં ‘લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન’નો પ્રારંભ

આણંદ જિલ્લામાં ‘લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન’નો પ્રારંભ

તાહિર મેમણ – આણંદ – 09/06/202 – આણંદ જિલ્લાના નાગરિકોને રક્તપિત્ત (લેપ્રસી) જેવા ગંભીર રોગથી સુરક્ષિત કરવા અને દર્દીઓને સમયસર સારવાર તેમજ સહાય પૂરી પાડવાના ઉમદા આશય સાથે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય/લેપ્રસી અધિકારીશ્રીના દેખરેખ હેઠળ આણંદ જિલ્લામાં 18 જૂન સુધી ચાલનારા ‘લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન હેઠળ આણંદ જિલ્લાના 183 ગામોમાં 2,59269 ઘરોની મુલાકાત 1188 ટીમો દ્વારા કરવામાં આવશે, જેમાં અંદાજિત 13,04,803 નાગરિકોને તપાસણી કરવામાં આવશે. તપાસણીના પ્રથમ દિવસે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 34,224 ઘરોની વિઝીટ કરવામાં આવી તેમાં એક લાખ 47,228 લોકોની તપાસણી કરતા તેમાંથી 390 વ્યક્તિઓ લેપ્રસી શંકાસ્પદ કેસ મળી આવતા જેની ઝીણવટ પૂર્વક તપાસ કરતા પ્રથમ દિવસે જ 03 કેસ લેપ્રસીના કન્ફર્મ જોવા મળતા તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે, તેમ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દીપક પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ઝુંબેશ દરમિયાન જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાયના દિવસોમાં આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકોની બનેલી કુલ 1188 વિશેષ ટીમ પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમ દ્વારા જિલ્લાના અંદાજિત 13,04,830 નાગરિકોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરવામાં આવશે અને સ્થાનિક લોકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
સર્વેક્ષણની કામગીરી દરમિયાન જો કોઈ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે, તો આરોગ્ય ટીમ દ્વારા તેમને ત્વરિત મફત નિદાન અને સચોટ સારવાર અર્થે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જનરલ હોસ્પિટલ આણંદ અથવા સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે રિફર કરવામાં આવશે.
રક્તપિત્તના દર્દીની આ ગંભીર બીમારીને શરૂઆતના તબક્કામાં જ ડામી દેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ સર્વેક્ષણ કામગીરીમાં આરોગ્ય વિભાગ ની ટીમોને પૂરતો સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
***



