
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
કચ્છના સાંસ્કૃતિક વારસાના સંવર્ધન સાથે સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આધુનિક ભુજના નિર્માણ માટે સૌને સહભાગી બનવા સાંસદ વિનોદભાઇ ચાવડાનું આહ્વાન
ભુજ,તા-૦૯ જૂન : ગુજરાતના સૌથી જૂના અને ઐતિહાસિક કચ્છ સંગ્રહાલય, ભુજ ખાતે “કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અને કચ્છ સંગ્રહાલય” વિષય પર વિશેષ વિચાર-ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યું હતું.વિચાર-ગોષ્ઠીને સંબોધતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના યશસ્વી નેતૃત્વમાં કચ્છે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો મળવો, સ્મૃતિવનનું નિર્માણ, ખાવડા ગ્રીન એનર્જી પાર્ક અને વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમ તેના ઉત્તમ ઉદાહરણો છે. તેમણે ભુજના ભાવિ વિકાસ અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કુકમા, મિરઝાપર, માનકુવા, માધાપર સહિત આસપાસના વિસ્તારોને સમાવી ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે જરૂરી પ્રક્રિયાઓ હવે ગતિમાન બની છે. અગાઉ ભુજ નગરપાલિકાનો જરૂરી વહીવટી ઠરાવ બાકી હોવાથી આ પ્રક્રિયા આગળ વધી શકી ન હતી, પરંતુ હવે ઠરાવ પસાર થઈ જતાં આ દિશામાં સકારાત્મક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.સાંસદ એ જણાવ્યું કે ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે તો વિકાસલક્ષી યોજનાઓ અને ગ્રાન્ટોના કારણે શહેરને હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોનો લાભ મળી શકે છે. તેમણે ગાંધીધામ અને મોરબીમાં ચાલી રહેલા વિકાસકાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો.સ્વચ્છતા અંગે વિશેષ ભાર મૂકતાં તેમણે આગામી એક મહિના માટે “સ્વચ્છ ભુજ અભિયાન” શરૂ કરવાની અપીલ કરી હતી. આ અભિયાન અંતર્ગત શાળાઓ, કોલેજો, વેપારીઓ, લારી-ગલ્લાવાળા અને સામાન્ય નાગરિકોને જોડવા સાથે જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે નગરપાલિકા દ્વારા કડક દંડાત્મક કાર્યવાહી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે ભુજને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તેમણે ઉજ્જૈનના સાંસદ સાથે વિશેષ બેઠક યોજી હતી. ઉજ્જૈનમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત શાળાઓથી કરવામાં આવી હતી અને ત્યારબાદ વેપારીઓ, લારી-ગલ્લાવાળા તથા સામાન્ય નાગરિકોને તેમાં જોડવામાં આવ્યા હતા. આજે ઉજ્જૈનમાં સ્વચ્છતા લોકોના જીવનમૂલ્યો અને સામાજિક સંસ્કારનો અભિન્ન ભાગ બની ગઈ છે. ભુજમાં પણ આવા જનસહભાગી અભિગમ દ્વારા સ્વચ્છતા અને વિકાસનું આદર્શ મોડેલ ઉભું કરી શકાય તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કચ્છના સાંસ્કૃતિક વારસાના સંવર્ધન સાથે સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આધુનિક ભુજના નિર્માણ માટે સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.વિચાર-ગોષ્ઠીમાં ડૉ. નેહલ વૈદ્ય અને શ્રી અમિત શર્માએ મ્યુઝિયમને નવી પેઢી માટે વધુ આકર્ષક અને જ્ઞાનવર્ધક બનાવવા, શ્રી એમ. આઈ. બાયડ, શ્રી આદિત્યસિંહજી, શ્રી સંજય ઠાકર અને શ્રી નરેશ અંતાણીએ હેરિટેજ સર્કિટ વિકસાવવા તેમજ ઐતિહાસિક વારસાનું સંરક્ષણ કરવા સૂચન કર્યું હતું. સાથે પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. ડૉ. કાશ્મીરા મહેતા, સુશ્રી દેવાંશીબેને યુવા પેઢીને ‘કચ્છીયત’ અને સાંસ્કૃતિક વારસાથી જોડવા હેરિટેજ વૉક, વ્યાખ્યાનમાળા અને સેમિનાર યોજવા તેમજ સાંસ્કૃતિક વારસાને રોજગારી અને પ્રવાસન સાથે સાંકળવા સૂચન કર્યું હતું.ચિત્રકાર નવીન સોનીએ પ્રાચીન સ્મારકોના મૂળ સ્વરૂપને ઉજાગર કરતા ચિત્રો અને શિલ્પો તૈયાર કરવા તેમજ દર ત્રણ માસે વારસા સંવાદો યોજવાની ભલામણ કરી હતી.પ્રભુભાઈ આહિરે રણેશ્વરી તીર્થધામ તથા નખત્રાણા તાલુકાના પ્રાચીન કરોડીપીર શિવમંદિરના વિકાસ માટે આયોજન કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી કચ્છ સંગ્રહાલયના ક્યુરેટર ડૉ. મહેન્દ્રસિંહ સુરેલાએ સંગ્રહાલયમાં સંગ્રહિત કચ્છી ભરતકામ, પ્રાચીન શસ્ત્રો, દુર્લભ સિક્કાઓ, આદિવાસી સંસ્કૃતિ અને અન્ય અમૂલ્ય ઐતિહાસિક વારસાની માહિતી આપી હતી. તેમણે સંગ્રહાલયના વિકાસ અને વારસાના જતન માટે સમાજના તમામ વર્ગોના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, હેતભાઈ જોષી, જયપાલસિંહ જાડેજા સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, શિક્ષણવિદો, સમાજસેવકો, સાંસ્કૃતિક કાર્યકરો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના સફળ આયોજન પાછળ એમ. આઈ. બાયડનું વિશેષ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગ્રહાલયના કર્મચારીઓ અને વોલિન્ટર્સે પણ પ્રશંસનીય સહયોગ આપ્યો હતો.



