દાંતા ખાતે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

10 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
200 રોપાનું વાવેતર અને 170 રોપાનું વિતરણ કરી હરિયાળા પર્યાવરણના નિર્માણનો સંકલ્પ વન વિભાગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકોને માહિતી અપાઈ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત દાંતા તાલુકાના વન કવચ ખાતે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મહારાજશ્રી હર્ષવર્ધનસિંહ પરમાર, સંસ્થાના આગેવાનો, ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના સંદેશ સાથે સૌએ ઉત્સાહભેર વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રજાતિના કુલ 200 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત 170 રોપાનું વિતરણ કરીને વધુમાં વધુ લોકો વૃક્ષોનું વાવેતર કરે અને તેની જાળવણી માટે આગળ આવે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોના મહત્વ, પર્યાવરણ સંરક્ષણમાં તેમની ભૂમિકા તેમજ આબોહવા પરિવર્તનના પડકારો સામે વૃક્ષારોપણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.વન વિભાગ દ્વારા કાર્યક્રમ દરમિયાન વિભાગની વિવિધ જનકલ્યાણકારી અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ વૃક્ષારોપણ, વન સંરક્ષણ અને કુદરતી સંપત્તિના જતન માટે નાગરિકોની સહભાગિતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.






