દિયોદર: ગોદા રોડ પર પાણી ભરેલા ખાડામાં પગ લપસતાં ૧૧ વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત, દોરડા વડે રેસ્ક્યુ કરાયું પણ જીવ ન બચ્યો
દિયોદર: ગોદા રોડ પર પાણી ભરેલા ખાડામાં પગ લપસતાં ૧૧ વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત, દોરડા વડે રેસ્ક્યુ કરાયું પણ જીવ ન બચ્યો

વાવ થરાદ જિલ્લાના દિયોદરના ગોદા રોડ પર એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. ગોદા રોડ પર શાળાની પાછળ ૧૧ વર્ષીય બાળકનો અચાનક પગ લપસી જતાં તે પાણીમાં ડૂબ્યો હતો. જોકે, સ્થાનિક યુવાનોની નજર પડતાં તેમણે સમયસૂચકતા વાપરી દોરડા વડે બાળકને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું, પરંતુ હોસ્પિટલ પહોંચાડતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની મળતી વિગતો મુજબ, ગોદા રોડ પર ૧૧ વર્ષીય બાળક શ્રવણ શોભાજી દેવીપૂજક નો પગ અચાનક લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા જાગૃત યુવાનોની નજર બાળક પર પડતાં તેમણે તાત્કાલિક દોરડા વડે ભારે જહમત ઉઠાવી બાળકને બહાર કાઢ્યો હતો.
બાળકને બહાર કાઢ્યા બાદ તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસીને બાળકને મૃત જાહેર કર્યો હતો. ૧૧ વર્ષીય માસૂમ બાળકના અકાળે અવસાનથી દેવીપૂજક પરિવાર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર




