અનાવલ APMC શાકભાજી માર્કેટમાં ખેડૂતોના શોષણનો આક્ષેપ, ખુલ્લી હરાજીની માંગ સાથે કલેક્ટરમાં રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી: અનાવલ અને આજુબાજુના ગામોના ખેડૂતો દ્વારા અનાવલ-આંબેટા શાકભાજી માર્કેટમાં વેપારીઓ દ્વારા નિયમ મુજબ ખુલ્લી હરાજી (ઓપન ઓક્શન) ન કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે સામાજિક આગેવાન ડૉ નીરવ પટેલે જિલ્લા કલેક્ટર અને APMC સત્તાધીશોને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટમાં કેટલાક વેપારીઓના વર્ચસ્વને કારણે પારદર્શક હરાજી થતી નથી, જેના કારણે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવથી વંચિત રહેવું પડે છે. રજૂઆતમાં જણાવાયું છે કે ખુલ્લી હરાજી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને સ્પર્ધાત્મક ભાવ મળી શકે અને આર્થિક નુકસાનમાંથી રાહત મળી શકે.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ વધુ ઉગ્ર રજૂઆતો અને આંદોલનનો માર્ગ અપનાવી શકે છે. ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે અનાવલ-આંબેટા શાકભાજી માર્કેટમાં નિયમ મુજબ પારદર્શક અને ખુલ્લી હરાજી પ્રણાલી તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે, જેથી તમામ ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને ન્યાયસંગત ભાવ મળી રહે.


