WAKANER:વાંકાનેર સિરામિકમાં લેબર કોન્ટ્રાક્ટ બાબતે જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો







WAKANER:વાંકાનેર સિરામિકમાં લેબર કોન્ટ્રાક્ટ બાબતે જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો


વાંકાનેર નજીક સિરામિક ફેક્ટરીમાં લેબર કોન્ટ્રાક્ટ બાબતે થયેલી જૂની અદાવતનો ખાર રાખીને એક યુવાન પર ધોળા દિવસે ચાકુ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ વાંકાનેરના માટેલ-ઠુવા રોડ પર ભાડેથી રહીને છેલ્લા ચારેક વર્ષથી સિરામિક ફેક્ટરીઓમાં લોડિંગનો લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા ગજરાજભાઈ અમરેશભાઈ ગુર્જર (ઉં.વ. ૩૨)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મુખ્ય આરોપીઓ:૧. હરીસિંહ ટીકમસિંહ ગુર્જર (રહે. સરતાનપર, તા. વાંકાનેર)૨. જોગેન્દ્ર રામધન ગુર્જર (રહે. સરતાનપર, તા. વાંકાનેર)૩. લોકેન્દર શિવરામ (રહે. લકડધાર, તા. વાંકાનેર) ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી હરીસિંહ ગુર્જરે ફરિયાદી ગજરાજભાઈના ભાગીદાર વિજયભાઈ સાથે ‘એમ્બિટો સિરામિક’માં લોડિંગનો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે અગાઉ બોલાચાલી કરી હતી. આ બાબતની ખાર રાખીને આરોપી હરીસિંહના કહેવાથી અન્ય બે આરોપીઓ જોગેન્દ્ર અને લોકેન્દરે ફરિયાદી ગજરાજભાઈને આંતર્યા હતા.
“કોન્ટ્રાક્ટ કેમ રાખ્યો છે?” તેમ કહીને આરોપીઓએ ગજરાજભાઈ પર ચાકુ અને લાકડાના ધોકા વડે તૂટી પડીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.: વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.



