વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી નિમિત્તે અંબાજી ધામે વિશેષ પૂજા-અર્ચના

11 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના બનાસકાંઠા જિલ્લો અંબાજી મંદિર ખાતે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ દેશની સુખાકારી, વિકાસ અને જનકલ્યાણ માટે કરવામાં આવી પ્રાર્થના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત ૧૨ વર્ષ સુધી દેશની સેવા કરીને વિકાસ અને સુશાસનના નવા માપદંડો સ્થાપિત કર્યા છે -મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ‘૧૨ વર્ષ અવિરત વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શક્તિપીઠ અંબાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી અરાસુરી અંબાજી માતાજીના પવિત્ર ધામમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મહાઆરતી દરમિયાન દેશની સુખાકારી, સમૃદ્ધિ, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત ૧૨ વર્ષ સુધી દેશની સેવા કરીને વિકાસ અને સુશાસનના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. આજે તેઓ દેશના વડાપ્રધાન તરીકે સતત સૌથી વધુ સમય સેવા આપનાર નેતા બન્યા છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગરીબ, દલિત, પીડિત, શોષિત અને વંચિત વર્ગોના કલ્યાણ માટે અનેક લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે આપણે સૌ મા જગતજનની અંબેના ચરણોમાં વડાપ્રધાનશ્રીને વધુ શક્તિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને જનકલ્યાણ માટે સતત કાર્ય કરવાની પ્રેરણા મળે તેવી પ્રાર્થના કરવા એકત્રિત થયા છીએ. દેશની પ્રગતિ, સર્વાંગી વિકાસ અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી સુખાકારી પહોંચે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.મહાઆરતી દરમિયાન સમગ્ર અંબાજી મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આ સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. મંત્રીશ્રીએ સૌને પોતાના ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, અધિકારીશ્રીઓ, સામાજિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.







