
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં નવનિયુક્ત ઉપપ્રમુખ તરીકે ભુપેશભાઈ પવારે આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી સહિત ભાજપના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આહવા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 9 બેઠકો કોંગ્રેસના ફાળે અને 7 બેઠકો ભાજપના ફાળે જતાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી.જોકે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના એક સભ્યએ ભાજપને સમર્થન આપતા બંને પક્ષોના સભ્યોની સંખ્યા 8-8 થઈ ગઈ હતી, જેના કારણે ટાઈની સ્થિતિ સર્જાઈ હતી.ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરતા પ્રમુખ પદ માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયુ હતું,જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના ભુપેશભાઈ.એલ.પવારનું નામ નીકળતા તેમની વરણી કરવામાં આવી હતી.આજરોજ પદભાર ગ્રહણ સમારોહ દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવીત, ડાંગ સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ ભુપેશભાઈ પવારને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.પદભાર સંભાળ્યા બાદ ઉપપ્રમુખ ભુપેશભાઈ પવારે જણાવ્યું હતું કે ભાજપના સુશાસન હેઠળ આહવા તાલુકામાં વિકાસના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે.આહવા તાલુકા પંચાયત હેઠળ આવતા ગામોના લોકોના પડતર પ્રશ્નો, વિકાસલક્ષી જરૂરિયાતો તેમજ અટકેલા કાર્યો અંગે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરી ઝડપથી યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.તેમણે તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.



