RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૧૨ વર્ષ અવિરત સેવાના, સંકલ્પથી સિદ્ધિના….રાજકોટના સ્વાદશોખીનોને ચટપટી ભેળ ખવડાવતા નયનભાઈના ધંધાને ‘પીએમ સ્વનિધિ’ યોજના હેઠળ મળ્યો વેગ

તા.૧૧/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – હેમાલી ભટ્ટ

રાજકોટના યુવા વેપારીએ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે વ્યક્ત કરી કૃતજ્ઞતા

આ યોજનાના સંગાથે નયનભાઈ પાઠકની જેમ શહેરના ૩૩ હજાર નાના વેપારીઓ બન્યા આત્મનિર્ભર

Rajkot: રાજકોટ એટલે રંગીલું શહેર, અને રાજકોટવાસીઓ એટલે ખાણી-પીણીના શોખીન ! અહીંના લોકોને સાંજે કંઈક ચટાકેદાર ન મળે તો દિવસ અધૂરો લાગે..

રાજકોટના આવા જ સ્વાદપ્રિય નાગરિકોને ચટાકેદાર ભેળ ખવડાવીને શ્રી નયનભાઈ પાઠક વર્ષોથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ, સમયનું ચક્ર હંમેશા એકસરખું નથી હોતું. કોરોનાકાળની આર્થિક થપાટે નયનભાઈની ભેળની લારીની રોનક ઝાંખી કરી નાખી હતી. ધંધો તો કરવો હતો, પણ ગજવામાં મૂડી નહોતી. આવા કપરા સમયે તેમની વહારે આવી ‘પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ’ (PM SVANidhi) યોજના….જે નયનભાઈના વ્યવસાય માટે ખરા અર્થમાં ‘સંજીવની બૂટ્ટી’ સાબિત થઈ છે.

સામાન્ય રીતે લારી-ગલ્લા કે નાનો વ્યાપાર કરતા ધંધાર્થીઓ માટે બેન્કમાંથી લોન લેવી ખૂબ અઘરી હોય છે, કારણ કે તેમની પાસે ગેરંટી (કોલેટરલ) તરીકે મૂકવા માટે કોઈ મોટી મિલકત હોતી નથી. નાના વેપારીઓની આ જ વાસ્તવિક તકલીફને કેન્દ્ર અને રાજ્ય સરકારે સંવેદનાપૂર્વક સમજીને પીએમ સ્વનિધિ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત નયનભાઈ પાઠકને પણ સરળ અને પારદર્શક પ્રક્રિયા દ્વારા લોન મળી ગઈ.

પોતાનો અનુભવ વર્ણવતા નયનભાઈએ જણાવ્યું હતું કે, “મને કોરોના સમયે શરૂઆતમાં રૂ. ૧૦,૦૦૦ની લોન મળી, જેનાથી મેં મારો ધંધો ફરી શરૂ કર્યો. એ લોન મેં સમયસર ચૂકવી દીધી એટલે બીજા તબક્કામાં રૂ. ૨૦,૦૦૦ની લોન મળી. એ પણ નિયમિત ભરાઈ ગઈ એટલે મને ત્રીજી વાર ધંધો વધારવા માટે રૂ. ૫૦,૦૦૦ની લોન મળી અને આ બધી જ લોન મેં ચૂકવી દીધી. આ રકમથી મને મારા ધંધામાં ઘણો ફાયદો થયો છે, તે બદલ હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું.

આ યોજના હેઠળ નાના ધંધાર્થીઓને આર્થિક પગભર કરવા માટે ત્રણ તબક્કામાં સહાય પૂરી પાડવામાં આવે છે, સહાયની રકમમાં પણ સરકારશ્રી દ્વારા વધારો કરાયો છે.

પ્રથમ સોપાન: ધંધાની શરૂઆત કે માલ-સામાન ભરવા માટે રૂ. ૧૫,૦૦૦/- ની લોન અપાય છે.

દ્વિતીય સોપાન: આ રકમની ભરપાઈ થતાં જ રૂ.૨૫,૦૦૦ની લોન અપાય છે.

તૃતીય સોપાન: ધંધાના વિસ્તરણ માટે ત્રીજી વાર રૂ. ૫૦,૦૦૦/- ની લોન આપવામાં આવે છે.

નયનભાઈએ પણ આ તબક્કાવાર લોનનો સદુપયોગ કરીને પોતાની લારીમાં કાચો માલ, ધંધામાં ઉપયોગી વાસણો અને ગુણવત્તાસભર સામગ્રી વસાવીને ગ્રાહકોના વિશ્વાસને વધુ મજબૂત કર્યો છે. આજે તેઓ ભેળની સાથે સાથે અનેક ચટપટી વાનગીઓ સ્વાદપ્રિય જનતાને પીરસી રહ્યા છે. આ આર્થિક સ્થિરતાના પ્રતાપે તેમનો પરિવાર આજે વ્યવસ્થિત રીતે આજીવિકા મેળવી રહ્યો છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને જમીની સ્તરે સાકાર કરવામાં છેવાડાના નાના વેપારીઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ૧૨ વર્ષના જનકલ્યાણના અવિરત પ્રવાહના પરિણામે નયનભાઈ પાઠકની જેમ જ શહેરના ૩૩ હજારથી વધુ નાના વેપારીઓએ સિક્યોરિટી વિના તબક્કાવાર લોન મેળવી ધંધા-રોજગારને નવી ઊંચાઈ આપી છે.

Back to top button
error: Content is protected !!