JUNAGADHJUNAGADH CITY / TALUKO

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના ૧૨ વર્ષ : દ્રઢ ઇચ્છાશક્તિ અને ભગીરથ પ્રયાસોથી સાકાર થયો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ

રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નિર્મિત એશિયાના સૌથી મોટા આધુનિક રોપ-વે દ્વારા પ્રવાસનને મળ્યો નવો વેગ; અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માણી રોમાંચક સફર

રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નિર્મિત એશિયાના સૌથી મોટા આધુનિક રોપ-વે દ્વારા પ્રવાસનને મળ્યો નવો વેગ; અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માણી રોમાંચક સફર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
​જૂનાગઢ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢ અને સમગ્ર ગુજરાતમાં વિકાસના અનેક ઐતિહાસિક પ્રકલ્પો સાકાર થયા છે. વડાપ્રધાનશ્રીની દ્રઢ ઇચ્છાશક્તિ અને અવિરત પ્રયાસોના પરિણામે જ દાયકાઓથી અટકેલો અને જૂનાગઢની જનતાનું સ્વપ્ન સમાન ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ આજે વાસ્તવિકતા બન્યો છે.
અડચણો દૂર કરી વડાપ્રધાને આપ્યું જૂનાગઢને નજરાણું :
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ માટેની દરખાસ્ત તો દાયકાઓ પહેલાં મુકાઈ હતી, પરંતુ વર્ષો સુધી તે ટેકનિકલ, કાનૂની અને પર્યાવરણીય પડકારોના કારણે વિલંબમાં પડી હતી. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ૧ મે, ૨૦૦૭ના રોજ આ ભગીરથ પ્રોજેક્ટની આધારશીલા રાખી હતી. ત્યારબાદ દિલ્હીમાં દેશની સત્તા સંભાળતાની સાથે જ તેમણે તમામ વહીવટી અને કાનૂની અંતરાયોનો ત્વરિત અને કાયમી નિકાલ લાવ્યો હતો. પરિણામે, ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે આ આધુનિક રોપ-વેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
યાત્રિકો માટે સુગમ બન્યા માં અંબાના દર્શન :
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર સ્થિત માં અંબાજીના મંદિર સુધી રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નિર્મિત આ રોપ-વે ૨.૩ કિલોમીટરની લંબાઈ અને ૮૫૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. ગરવા ગિરનારની હરિયાળી ગિરીકંદરાઓ વચ્ચેથી પસાર થતી આ રોમાંચક સફર માત્ર ૯ મિનિટમાં પૂર્ણ થાય છે. આ સુવિધાના લીધે અબાલ, વૃદ્ધ, વડીલો અને દિવ્યાંગો માટે માં અંબાના દર્શન અત્યંત સરળ અને સુલભ બન્યા છે. અત્યાર સુધીમાં દેશ-વિદેશના ૪૧ લાખથી વધુ પ્રવાસીઓ આ રોપ-વેની સફરનો અદ્ભુત લ્હાવો લઈ ચૂક્યા છે, જેનાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ અને રોજગારીને ખૂબ મોટો વેગ મળ્યો છે.
વિકાસ કાર્યોથી ગુજરાતમાં નવી લહેર : અગ્રણી શૈલેષભાઈ દવે
જૂનાગઢના અગ્રણી શૈલેષભાઈ દવેએ વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સુશાસનને બિરદાવતા જણાવ્યું હતું કે, “નરેન્દ્રભાઈ મોદીએ માત્ર ગિરનાર રોપ-વે જ નહીં, પરંતુ સોમનાથ કોરિડોરનો ભવ્ય વિકાસ અને કેશોદ એરપોર્ટનું અપગ્રેડેશન કરીને સોરઠ પંથકની પાયાની સુવિધાઓને મજબૂત કરી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી કાળ દરમિયાન નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મેળવીને તેમણે સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આણ્યો છે, જેનાથી રાજ્યમાં વિકાસની નવી લહેર જોવા મળી છે.” તેમણે જૂનાગઢ અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!