
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામના બંધાડ ફળિયામાં 4 માર્ચ 2024ના રોજ ખાતમુહૂર્ત કરાયેલી આંગણવાડીનું નિર્માણ કાર્ય આજે પણ ગોકુળગાયની ગતિએ ચાલી રહ્યું છે. બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કામ પૂર્ણ થવાનું નામ નથી લેતું, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.નાના ભૂલકાઓ માટે બનાવવામાં આવી રહેલી આંગણવાડી સમયસર તૈયાર ન થતાં બાળકોને સુવિધાસભર શિક્ષણ અને પોષણ સેવાઓનો લાભ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. હવે ગ્રામજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આંગણવાડીનું મકાન આખરે ક્યારે તૈયાર થશે અને બાળકોને તેમાં ભણવાનો લાભ ક્યારે મળશે? સાથે જ સવાલ એ પણ ઊભો થયો છે કે શું આ બાબતે સંબંધિત તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલું મહત્વનું કામ આટલો લાંબો સમય અધૂરું કેમ છે તે અંગે સ્થાનિકો જવાબ માંગતા જોવા મળી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કામગીરીમાં ઝડપ લાવી આંગણવાડીનું કામ પૂર્ણ કરાવે.



