જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ દ્વારા પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના સંવર્ધન તથા ટકાઉ વિકાસના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે જૈવ વૈવિધ્યથી સમૃદ્ધ પરિતળાવ બોટનિકલ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી અને વિવિધ વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણ માટે કરવામાં આવેલા પ્રયાસો અંગેની ચર્ચા તેમજ પ્રશંસા કરી હતી.
પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે સમૃદ્ધ જૈવવિવિધતાનો ખજાનો આવેલો છે, જેમાં ૨૩૦થી વધુ વનસ્પતિ પ્રજાતિઓનું સંવર્ધન કરવામાં આવે છે કે જેમાં ૧૬૦થી વધુ વૃક્ષની પ્રજાતિઓ, ૫૫થી વધુ છોડની પ્રજાતિઓ તેમજ ૧૫થી પ્રજાતિઓના વેલાઓનો સમાવેશ થાય છે. આ બોટનિકલ ગાર્ડન વનસ્પતિ આનુવંશિક સંસાધનોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કાર્ય કરે છે અને જૈવવિવિધતા સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ, સંશોધન, શિક્ષણ તથા વનસ્પતિ સંવર્ધનને પ્રોત્સાહન આપે છે.
આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખા અધ્યક્ષશ્રી, ડૉ. એ. જી.પાનસુરિયા; વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. એન. બી. જાદવ; નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, ડૉ. આર. એમ. સોલંકી; આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, ડૉ. પી. ડી. કુમાવત તેમજ આચાર્ય અને ડીનશ્રી, બાગાયત મહાવિદ્યાલય, ડૉ. ડી. કે. વરુ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સશક્ત સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગીય વડાશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, વૈજ્ઞાનિકો તેમજ જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા હરિયાળી વધારવા, જૈવ વૈવિધ્યનું સંરક્ષણ કરવા તેમજ વિદ્યાર્થીઓ અને ખેડૂત સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાધ્યાપક અને વડાશ્રી, ડો. ડી. આર. મહેતાના માર્ગદર્શન હેઠળ ડો. એસ. બી. ચૌધરી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તથા જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.



