RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને લોકમેળા-૨૦૨૬ના આયોજન અંગે બેઠક યોજાઈ

તા.૧૨/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

૨૦ સમિતિઓની રચના સાથે વિભાગોને માઇક્રો પ્લાનિંગ આધારિત આયોજન કરવા કલેક્ટરશ્રીનો ભાર

બાઈક એમ્બ્યુલન્સ, ઈમરજન્સી રૂટ, કોમન કંટ્રોલ રૂમ અને ક્વિક રિસ્પોન્સ ટીમ સહિતની વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા

Rajkot; રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અને લોકમેળા સંકલન સમિતિના અધ્યક્ષશ્રી ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે લોકમેળા-૨૦૨૬ના આયોજનને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન લોકમેળાના સુચારુ અને સફળ આયોજન માટે રચાયેલી આશરે ૨૦ જેટલી સમિતિઓની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ લોકમેળાના આયોજનમાં સંકળાયેલા તમામ વિભાગોના અધિકારીશ્રીઓને માઇક્રો પ્લાનિંગના અભિગમ સાથે કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. લોકમેળાના લે-આઉટથી લઈને ઉદ્ઘાટન અને સમગ્ર આયોજન દરમિયાન જરૂરી તમામ આગોતરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા તેમજ સંબંધિત વિગતો સમયસર ઉપલબ્ધ કરાવવા તેમણે ભાર મૂક્યો હતો.

વધુમાં, દરેક વિભાગ દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવે તેમજ કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ મળી રહે તે માટે કોમન કંટ્રોલ રૂમ સ્થાપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. લોકમેળા દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના લોકમેળાના આયોજનમાંથી પ્રાપ્ત થયેલા અનુભવોના આધારે આ વર્ષે વધુ અસરકારક આયોજન માટે ક્રાઉડ મેનેજમેન્ટ અને ઈમરજન્સી રૂટ અંગે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ ડ્રોન મારફતે મળેલા ક્રાઉડ મોનિટરિંગ ડેટાનું વિશ્લેષણ કરી, કયા દિવસે, કયા સ્થળે અને કયા સમયે વધુ માનવમેદની એકત્રિત થતી હોય છે તેની ચોક્કસ માહિતીના આધારે આયોજન કરવા અંગે વિગતવાર ચર્ચા વિમર્શ કર્યો હતો.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે. એચ. બારોટ, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી ટીના કલ્યાણ, ડી.સી.પી.શ્રી રાકેશ દેસાઈ, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય, માર્ગ અને મકાન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત મેળાના આયોજન સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!