Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” રાજકોટ જિલ્લામાં ‘જનકલ્યાણ શિબિર’નો પ્રારંભ: પ્રથમ દિવસે બે હજારથી વધુ નાગરિકોને મળ્યો ઘરઆંગણે જ સરકારી યોજનાઓનો લાભ

તા.૧૨/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાનના ભાગરૂપે, રાજકોટ જિલ્લાના નાગરિકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી તા.૨૦ જૂન સુધી ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના આણંદપર, આટકોટ, ભાડલા, બોરડી સમઢીયાળા, દડવી, કોટડા સાંગાણી, મોવિયા, મોટી પાનેલી, સુપેડી અને વીંછિયા સહિતના ગામોમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરાયું હતું.


આ શિબિરો દરમિયાન કેન્દ્ર સરકારની મહત્વની ૧૫ જેટલી યોજનાઓ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામજનોને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો. જેમાં આણંદપર (નવા) ખાતે ૫૧૨ તથા મોટી પાનેલી ખાતે ૬૦૫ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મળ્યો હતો. આ ઉપરાંત વીંછિયા ખાતે ૨૪૭, કોટડા સાંગાણી ખાતે ૨૧૨, સમઢિયાળા ખાતે ૨૦૭, દડવી ગામે ૨૦૬ અને સુપેડી ખાતે ૧૬૦, આટકોટ ખાતે ૩૩ જેટલા નાગરિકોને વિવિધ યોજનાઓ હેઠળ લાભાન્વિત કરવામાં આવ્યા હતા.


જનકલ્યાણ શિબિર અંતર્ગત નાગરિકોની સુવિધા માટે અનેક મહત્વની યોજનાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ હતી. જેમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય. મા (અરજી), પી.એમ. સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, વી.બી.જી.રામ જી યોજના અને પી.એમ. સ્વનિધિ યોજનાનો સમાવેશ થાય છે. આ સાથે જ ફ્રી શિપ કાર્ડ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (અરજી સ્વીકારવી), ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજનાના લાભ પણ આપવામાં આવ્યા હતા. આ શિબિરોમાં ગ્રામજનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.



