વેનેઝુએલાની જેમ ઈરાનના તેલ પર પણ કબ્જો કરી લઈશું : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

મિડલ ઈસ્ટમાં સળગી રહેલી યુદ્ધની આગ વચ્ચે વૈશ્વિક રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક સનસનાટીપૂર્ણ પોસ્ટ મૂકીને ઈરાન પર આજે રાત્રે જ બહુ મોટો આક્રમક હુમલો કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના મતે, ઈરાનની નૌકાદળ, વાયુસેના, રડાર નેટવર્ક, એન્ટી-એરક્રાફ્ટ ગન અને સંરક્ષણ પ્રણાલીઓ તેમજ તેની મોટાભાગની હુમલો કરવાની ક્ષમતાઓ અગાઉથી જ ધ્વસ્ત થઈ ચૂકી છે અને હવે અમેરિકા ઈરાનના આર્થિક સામ્રાજ્યને તોડવા તરફ આગળ વધી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક તાજેતરના ઈન્ટરવ્યુમાં પણ ઈરાનના ખાર્ગ દ્વીપ (Kharg Island) પર નિયંત્રણ મેળવવાની પોતાની ઈચ્છા ખુલ્લેઆમ દોહરાવી છે. તેમણે જણાવ્યું કે, “મારી સર્વોચ્ચ પ્રાથમિકતા હંમેશા ખાર્ગ દ્વીપને પોતાના કટોકટી નિયંત્રણ હેઠળ લેવાની રહી છે. જો કે, હું એ નથી જાણતો કે અમેરિકા માનસિક રીતે આ પગલા માટે સંપૂર્ણ તૈયાર છે કે નહીં.”
ભૌગોલિક, લશ્કરી અને આર્થિક દૃષ્ટિકોણથી ખાર્ગ દ્વીપ ઈરાનની અર્થવ્યવસ્થા અને તેલ વેપારની કરોડરજ્જુ માનવામાં આવે છે. ઈરાનના કુલ કાચા તેલની નિકાસનો સિંહફાળો આ એક જ ટાપુ પરથી ઓપરેટ થાય છે. આ વ્યૂહાત્મક ટાપુ પરથી દરરોજ આશરે 20 લાખ બેરલ કાચું તેલ દુનિયાના વિવિધ દેશોમાં મોકલવામાં આવે છે, જેનો સૌથી મોટો ખરીદદાર અને ગ્રાહક ચીન છે. ટ્રમ્પે ધમકી આપી છે કે ભૂતકાળમાં જેમ અમેરિકાએ વેનેઝુએલાના ઓઈલ રિઝર્વ અને સંસાધનો પર પકડ મજબૂત કરી હતી, તે જ મોડલ અહીં પણ અપનાવવામાં આવશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે આડકતરી લડાઈ હવે સીધા યુદ્ધમાં ફેરવાઈ ચૂકી છે અને ક્ષેત્રમાં સૈન્ય ગતિવિધિઓ પ્રચંડ બની છે..
અમેરિકી સેનાએ છેલ્લા કેટલાક કલાકોમાં ઈરાનની હાઈ-ટેક સર્વેલન્સ સિસ્ટમ, આંતરિક સંચાર નેટવર્ક અને એર ડિફેન્સ સ્ટેશનો પર શ્રેણીબદ્ધ એરસ્ટ્રાઈક કરી છે. વોશિંગ્ટનનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા સતત કરવામાં આવતી ઉશ્કેરણી અને આક્રમકતાના જવાબમાં લેવાયેલું રક્ષણાત્મક પગલું છે.



