ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત : 12 હજારથી વધુ જગ્યાઓ ખાલી !!!

ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ફરી એક વખત ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે. વાસ્તવમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી અછત સર્જાતા હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો અને શાળા સંચાલકોએ સરકારને તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ રાજ્યભરની અંદાજે 5,400 ગ્રાન્ટેડ શાળાઓમાં 12 હજારથી વધુ કાયમી શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. પરિણામે અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ઉપલબ્ધ નથી, જેના કારણે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં તેમજ ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. શિક્ષણવિદોનું માનવું છે કે, શિક્ષકોની અછતનો સીધો પ્રભાવ વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેમના ભવિષ્ય પર પડે છે. ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોની શાળાઓમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. ઘણા વિષયોમાં નિષ્ણાત શિક્ષકો ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી શકતું નથી.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે આશરે 5,700 જ્ઞાન સહાયકોની ભરતીને મંજૂરી આપવામાં આવી છે. જોકે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સંગઠનોનું કહેવું છે કે આ પગલું પૂરતું નથી. કારણ કે હાલ પણ લગભગ 7 હજારથી વધુ શિક્ષકોની અછત યથાવત રહેવાની શક્યતા છે.
શાળા સંચાલક મંડળો અને આચાર્ય સંઘોનું કહેવું છે કે, જ્ઞાન સહાયક વ્યવસ્થા એક તાત્કાલિક ઉકેલ હોઈ શકે, પરંતુ કાયમી શિક્ષકોની જગ્યાઓ કાયમી ભરતી દ્વારા જ ભરવી જરૂરી છે. લાંબા ગાળે શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નિયમિત અને યોગ્ય ભરતી પ્રક્રિયા હાથ ધરવી અનિવાર્ય બની ગઈ છે. શિક્ષણ ક્ષેત્રના આગેવાનોનું માનવું છે કે, રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા અને વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવવો જોઈએ. જો શિક્ષકોની ખાલી જગ્યાઓ ઝડપથી નહીં ભરાય તો આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓના પરિણામો અને શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડી શકે છે.




