MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત જન કલ્યાણકારી વિકાસ કામોની મુલાકાત લેતા મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયા

 

MORBI:મોરબીમાં ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત જન કલ્યાણકારી વિકાસ કામોની મુલાકાત લેતા મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયા

મંત્રીશ્રીઓએ નિર્માણાધીન અત્યાધુનિક મેડિકલ કોલેજ અને મણિમંદિર પરિસરમાં આકાર લઈ રહેલા ‘રાણીબાગ’ ની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું

મોરબી જિલ્લામાં વિવિધ વિકાસાત્મક પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદ્દેશ્ય સાથે ‘પ્રગતિ પથ યાત્રા’ના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.ત્યારે આ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમ છાંગા અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લાના મહત્વપૂર્ણ અને વિકસિત થઈ રહેલા સ્થળોની મુલાકાત લીધી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી મોરબી જિલ્લામાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પો સાકાર થઈ રહ્યા છે. આ વિકાસ પ્રકલ્પોની મુલાકાત અન્વય યોજાયેલ પ્રગતિ પથ યાત્રાના ભાગરૂપે મંત્રીશ્રીઓએ મોરબી વાસીઓની સુવિધા માટે નિર્માણ પામી રહેલા સૌથી મહત્વના વિકાસ કાર્ય એવા અત્યાધુનિક જી.એમ.ઈ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ કેમ્પસની રૂબરૂ મુલાકાત લીધી હતી.

 

મંત્રીશ્રીઓએ અહીં સિવિલ માળખા હેઠળ પૂર્ણ થઈ ગયેલા મુખ્ય કેમ્પસ, આધુનિક સુવિધાયુક્ત લેક્ચર હોલ તેમજ હાલ પ્રગતિ હેઠળ રહેલી વિવિધ કામગીરીઓનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મોરબી અને આજુબાજુના વિસ્તારના નાગરિકો તથા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનનારા આ ભવ્ય અને અત્યાધુનિક પ્રકલ્પની ગતિ જોઈને મંત્રીશ્રીઓએ હર્ષ વ્યક્ત કર્યો હતો તેમજ ઉપસ્થિત અધિકારીઓને કામગીરી ગુણવત્તાસભર રાખવા જરૂરી સૂચનો કર્યા હતા. મહાનુભાવોએ મેડિકલ કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.

 

મણિમંદિર પરિસરમાં નિર્માણ પામી રહેલા ‘રાણીબાગ’ના પ્રગતિ હેઠળના કામનું સ્થળ નિરીક્ષણ કરતા મંત્રીશ્રીઓએ રાણીબાગના ડેવલપમેન્ટ પ્લાનની ઝીણવટભરી સમીક્ષા કરી કલાત્મક અને પર્યટનલક્ષી સુવિધાઓ ઝડપથી વિકસાવવા માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોએ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન મણિમંદિર તેમજ મણિમંદિરમાં મ્યુઝિયમ (સંગ્રહાલય)ની પણ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમ સુરાણી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકાના કમિશનરશ્રી સંગીતા રૈયાણી, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, નાયબ કમિશનરશ્રી સંજય સોની, મેડિકલ કોલેજના ડીનશ્રી ડૉ.બિશ્વાસ, સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટશ્રી ડૉ. દુધરેજીયા, અગ્રણીઓ, સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!