HALOLPANCHMAHAL

પાવાગઢ ડુંગર પર પાણીની ભયાનક કટોકટી,તંત્ર મોડે મોડે જાગ્યું,ઐતિહાસિક તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૬.૨૦૨૬

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ ડુંગર પર છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી પીવાના પાણીની સર્જાયેલી ગંભીર કટોકટી બાદ આખરે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ડુંગર પર આવેલા ઐતિહાસિક છાસિયા તળાવ તેમજ દુધિયા તળાવને ઊંડા કરવાની કામગીરીના આજે વિધિવત શ્રીગણેશ કરવામાં આવ્યા છે.જોકે, ચોમાસું માથે હોવા છતાં અત્યારે લેવાયેલા આ નિર્ણયને પગલે તંત્રની નીતિ સામે સ્થાનિકોમાં ગણગણાટ પણ શરૂ થયો છે.

દર વર્ષની સમસ્યા, છતાં તંત્રની ઘોર બેદરકારી

પાવાગઢ ડુંગર પર છેલ્લા ઘણા વર્ષોથી માર્ચ મહિનાની શરૂઆત થતાં જ તળાવો સૂકાઈ જવાની પરંપરાગત સમસ્યા છે.તળાવો સુકાવાને કારણે ડુંગર પરના કુવાઓના જળસ્તર પણ તળિયે બેસી જાય છે અને પાણી ખલાસ થઈ જાય છે. દર વર્ષે ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કે કાયમી આયોજન કરવામાં આવતું ન હતું.ચાલુ વર્ષે પરિસ્થિતિ વધુ વણસી હતી અને છેલ્લા ૧૫ દિવસથી ડુંગર પર પાણી માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ તો ઠીક, પરંતુ અહીં આવતા હજારો યાત્રાળુઓ પણ પાણીના એક-એક ટીપા માટે લાચારી અનુભવી રહ્યા હતા.પાણીની આ તીવ્ર અછતની અસર ખુદ મંદિર ટ્રસ્ટ પર પણ જોવા મળી હતી. આશ્ચર્યજનક અને આઘાતજનક બાબત એ છે કે પાણીની કટોકટીને કારણે મંદિર ટ્રસ્ટને પોતાનું અન્નક્ષેત્ર એક સપ્તાહ સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, મંદિરના રોજિંદા વપરાશ માટે બહારથી પાણીના જગ મંગાવવા પડ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.”સુજલામ સુફલામ યોજના હેઠળ જો આ કામગીરી એક મહિના પહેલાં હાથ ધરવામાં આવી હોત, તો આજે તળાવો સમયસર ઊંડા થઈ ગયા હોત અને પાણીનો સંગ્રહ થઈ શક્યો હોત.હાલમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને ગમે ત્યારે વરસાદ વરસી શકે તેમ છે, ત્યારે મોડે મોડે જાગેલા તંત્રએ આગામી વર્ષે જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે તળાવો ઊંડા કરવાની કામગીરી આજથી શરૂ કરી છે. મોડી મોડી પણ કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં એક તરફ આનંદની લાગણી છે, તો બીજી તરફ ચોમાસાના ટકોરે કામ શરૂ કરવા બદલ તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલો પણ ઉઠી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!