વિશ્વ યોગ દિવસના અનુસંધાને બ્રહ્માકુમારીઝ ગોધરા કેન્દ્ર દ્વારા “વોલ્ક ફોર યોગા” અંતર્ગત ભવ્ય શાંતિ યાત્રા પદયાત્રાનું આયોજન.
આદરણીય સુરેખા દીદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
ગોધરા માં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીના પાવન અવસરે, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગોધરા કેન્દ્ર દ્વારા શહેરમાં સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગૃતિ અર્થે “વોલ્ક ફોર યોગા” કાર્યક્રમ નિમિત્તે એક ભવ્ય ‘શાંતિ યાત્રા પદયાત્રા’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં શારીરિક આરોગ્યની સાથે માનસિક શાંતિ અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ પહોંચાડવાનો હતો.
આ ભવ્ય શાંતિ યાત્રાનું પ્રસ્થાન બ્રહ્માકુમારીઝ, ગોધરા, મહિસાગર અને દાહોદ જિલ્લાના મુખ્ય સંચાલિકા પરમ આદરણીય બી.કે. સુરેખા દીદીના વરદહસ્તે લીલી ઝંડી આપીને કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીદીએ પ્રેરણાત્મક આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે મન અને આત્માને પરમાત્મા સાથે જોડી જીવનમાં સાચી શાંતિ મેળવવાનો રાજમાર્ગ છે.
આ પદયાત્રામાં આશરે ૫૦ જેટલા ઉત્સાહી ભાઈ-બહેનોએ શ્વેત વસ્ત્રો ધારણ કરી અત્યંત શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પદયાત્રા સમગ્ર ગોધરા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં પદયાત્રાના દિવ્ય વાતાવરણે આખા શહેરમાં શાંતિ, પવિત્રતા અને સકારાત્મક ઉર્જાના તરંગો ફેલાવ્યા હતા. સમગ્ર આયોજન અત્યંત શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું.
શાંતિ યાત્રા દરમિયાન એક વિશેષ આકર્ષણ તરીકે, બી.કે. હિતેન્દ્રભાઈ દ્વારા ચાલવાની સાથે-સાથે ‘વોલ્ક વિથ યોગા’ અને સરળ કસરતોનું એક સુંદર વ્યવહારિક વ્યાયામ સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં સહભાગીઓને રોજિંદા જીવનમાં સક્રિય રહેવાની કળા શીખવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉમંગ-ઉત્સાહનું વાતાવરણ જળવાઈ રહે તે માટે બી.કે. રાકેશભાઈએ ખૂબ જ સુંદર રીતે ડિજિટલ ફોટોગ્રાફીની મહત્વની જવાબદારી સંભાળી હતી.
આ સુંદર આયોજનને સફળ બનાવવામાં ગોધરા કેન્દ્રના વરિષ્ઠ સભ્યો બી.કે. શૈલેષભાઈ, બી.કે. કનુભાઈ પટેલ, બી.કે. મહેન્દ્રભાઈ તેમજ અગ્રણી બહેનોમાં બી.કે. ઇલાબેન, બી.કે. ઉર્મિલાબેન, મીનાબેન, ગીતાબેન, કલ્પનાબેન, જયાબેન તથા અન્ય બ્રાહ્મણ પરિવારના સભ્યોએ ખંતપૂર્વક સેવાઓ આપી મહત્વની ભૂમિકા ભજવી હતી.
બ્રહ્માકુમારીઝ ગોધરા કેન્દ્ર દ્વારા આવા સામાજિક અને આધ્યાત્મિક કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવે છે, જે સમાજમાં વસુધૈવ કુટુંબકમ્, શાંતિ, સહિષ્ણુતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિનો દિવ્ય સંદેશ પ્રસારિત કરે છે.







