HALVAD:હળવદના જુના માલણીયાદમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે વૃદ્ધ પર લોખંડના સળિયાથી જીવલેણ હુમલો: બે સામે ગુનો દાખલ







HALVAD:હળવદના જુના માલણીયાદમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે વૃદ્ધ પર લોખંડના સળિયાથી જીવલેણ હુમલો: બે સામે ગુનો દાખલ


હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામમાં પડોશમાં રહેતા શખ્સો દ્વારા શેરીમાં પાણી ઢોળવા જેવી તદ્દન સામાન્ય બાબતમાં એક વૃદ્ધ પર લોખંડના સળિયા (સણોથા) અને ઢીકાપાટુ વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જુના માલણીયાદ ગામે રહેતા અને મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા જેરામભાઈ રેવાભાઈ ગુંદારીયા (ઉં.વ. ૬૦) એ ગામના જ બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ગઈકાલે જ્યારે ફરિયાદી જેરામભાઈ અને તેમની સાથે હરેશભાઇ નામના અન્ય એક વ્યક્તિ, પડોશમાં રહેતા આરોપીઓ સામે શેરીમાં પાણી ઢોળવા બાબતે સમજાવવા ગયા હતા, ત્યારે મામલો બિચક્યો હતો.
વાતચીત દરમિયાન આરોપી માનસિંગભાઈ નાનુભાઈ ઉધરેજા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના હાથમાં રહેલું લોખંડનું સણોથુ (લોખંડનો સળિયો) જેરામભાઈના માથાના ભાગે ફટકારી દીધું હતું, જેથી તેમને લોહીલુહાણ ઈજાઓ થઈ હતી. આ સાથે જ બીજા આરોપી સવજીભાઈ નાનુજીભાઈ ઉધરેજાએ ફરિયાદી વૃદ્ધ ઉપર બેસી જઈને તેમને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો, જેના કારણે તેમને શરીરે મુંઢ ઈજાઓ પહોંચી હતી.
હુમલો કરવા ઉપરાંત બંને આરોપીઓએ જાહેર શેરીમાં ભુંડી ગાળો ભાંડી હતી અને ધમકી આપતા કહ્યું હતું કે, “જો ફરી વખત આ બાબતે સમજાવવા આવશો તો જાનથી મારી નાખીશું.”
આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર જેરામભાઈ ગુંદારીયાએ હળવદ પોલીસ મથકમાં બંને આરોપીઓ (૧) માનસિંગભાઈ નાનુભાઈ ઉધરેજા અને (૨) સવજીભાઈ નાનુજીભાઈ ઉધરેજા વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



