MALIYA (Miyana):માળિયા શાળાને જમીન દાનમાં આપનાર ઉમદા દાતા સુભાનભાઈ સંઘવાણીનું મોરબી ખાતે વિશેષ સન્માન







શિક્ષણ માટે ઉદારતા: માળિયાના દાતા સુભાનભાઈ સંઘવાણીએ શાળાને જમીન દાનમાં આપતા વહીવટી તંત્ર દ્વારા કરાયું સન્માન


માળિયા: શાળાને જમીન દાનમાં આપનાર ઉમદા દાતા સુભાનભાઈ સંઘવાણીનું મોરબી ખાતે વિશેષ સન્માન
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ દાતાની ઉમદા કામગીરીની પ્રશંસનીય નોંધ લેવાઈ
શિક્ષણના ઉત્થાન અને બાળકોના ભવિષ્ય માટે જમીનનું દાન આપીને ઉદારતા દાખવનાર મોરબી જિલ્લાના માળિયા (મી.) તાલુકાના એક પ્રબુદ્ધ નાગરિકનું આજે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. માળિયા તાલુકાના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી હસ્તકની શ્રી ભોળીપાટ વાંઢ પ્રાથમિક શાળાના નવા રૂમોના નિર્માણ માટે પોતાની માલિકીની કિંમતી જમીન દાનમાં આપવા બદલ દાતાશ્રી સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીનું મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા સન્માન કરાયું છે.

ભોળીપાટ વાંઢ પ્રાથમિક શાળા માટે સરકાર દ્વારા ૦૨ (બે) નવા રૂમો મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે, શાળાની આસપાસ કોઈ સરકારી પડતર કે ખરાબાની જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે આ રૂમોનું નિર્માણ કાર્ય અટકે તેમ હતું. બાળકોના અભ્યાસમાં કોઈ રુકાવટ ન આવે તેવા ઉમદા હેતુથી સ્થાનિક દાતાશ્રી સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણી આગળ આવ્યા હતા. તેમણે મોજે માળિયાના સર્વે નં. ૮૩૨/પૈકી ૧/૨ ની પોતાની માલિકીની કુલ જમીનમાંથી ૧૩૦0 ચોરસ મીટર જમીન શાળાના નવા મકાનના બાંધકામ માટે સ્વૈચ્છિક રીતે દાનમાં આપી દીધી હતી.ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના મજબૂતીકરણ માટે દાતાશ્રી સુભાનભાઈ સંઘવાણી દ્વારા કરવામાં આવેલી આ પ્રેરણાદાયી અને ઉમદા કામગીરીની ગંભીરતા તથા સરાહના માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય (CMO) દ્વારા પણ કરવામાં આવી છે, અને આ બાબતની પ્રશંસનીય નોંધ લેવાઈ છે.આજે તારીખ ૧૫/૦૬/૨૦૨૬ ના રોજ મોરબી ખાતે માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી (DDO) સાહેબશ્રી દ્વારા દાતાશ્રી સુભાનભાઈ સંઘવાણીની આ રાષ્ટ્રભાવના અને શિક્ષણ પ્રત્યેની સંવેદનશીલતાને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુભાનભાઈ જેવા દાતાઓના સહયોગથી જ સરકારી શાળાઓ વધુ સુદ્રઢ બની રહી છે અને તેમનું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે.




