AHAVADANG

વૈદેહી સંસ્કાર ધામના 40 જ બાળકોને મળ્યો આધ્યમિક સંસ્કારોનો વરસો…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગનાં બિલમાળ ધામ ખાતે સંત અનેકરૂપી મહારાજના દર્શન-આશીર્વાદ, મહંત અસીમાનંદજીના સ્વાસ્થ્યલાભ માટે સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને રામધૂન

 

ડાંગ જિલ્લાના શિવારીમાળ સ્થિત વૈદેહી સંસ્કાર ધામમાં શિક્ષણની સાથે સંસ્કાર, આધ્યાત્મિકતા અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સુંદર ઘડતર કરવામાં આવી રહ્યું છે. પૂજ્ય યશોદાદીદીના પાવન માર્ગદર્શન હેઠળ સંચાલિત આ સંસ્થાના બાળકોને તાજેતરમાં આધ્યાત્મ સંસ્કારનો અનોખો અવસર પ્રાપ્ત થયો હતો.

બાળકોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બિલમાળ ખાતે વિશેષ આધ્યાત્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે 40 જેટલા બાળકોએ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય સંત અનેકરૂપી મહારાજના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

સંત અનેકરૂપી મહારાજે બાળકોને ધર્મ, સેવા, સંસ્કૃતિ, કરુણા અને માનવતાના મૂલ્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જીવનમાં સદાચાર અને સંસ્કારના મહત્વને સમજાવ્યું હતું. સંતના સાનિધ્યમાં બાળકોમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. બાળકો માટે આ મુલાકાત જીવનભર યાદગાર બની રહે તેવી આધ્યાત્મિક અનુભૂતિ સમાન સાબિત થઈ હતી.

વૈદેહી સંસ્કાર ધામમાં ડાંગ જિલ્લાના ગરીબ, અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને નિવાસ, ભોજન અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે ઉત્તમ સંસ્કારોનું ઘડતર કરવામાં આવી રહ્યું છે, જે સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય ગણાય છે.

પ્રવાસ બાદ વૈદેહી સંસ્કાર ધામ ખાતે સાધ્વી પૂજ્ય યશોદાદીદી અને પૂજ્ય સંત અનેકરૂપી મહારાજના માર્ગદર્શન હેઠળ શબરીધામના મહંત પૂજ્ય અસીમાનંદજી સ્વામીના સ્વાસ્થ્યલાભ માટે સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં મહંત અસીમાનંદજી સ્વામીને હૃદયરોગનો હુમલો આવતાં તેમના ઝડપી સ્વાસ્થ્યલાભ, દીર્ઘાયુષ્ય અને ઉત્તમ આરોગ્ય માટે બાળકો સહિત ભક્તજનોએ ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું બીજ રોપવાના આ પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!