
નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ધારણા પર બેસ્યા. ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મુલાકાત માટે પોહ્ચ્યા

તાહિર મેમણ – ડેડીયાપાડા – 15/06/2025 – નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ સન્માન ન જળવાતાં ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે વિરોધ નોંધાવતા ધારાસભ્ય ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે.
ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે આક્ષેપ કર્યો છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોવા છતાં તેમને વારંવાર અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યું કે મહિલા ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવતી હોવા છતાં પ્રોટોકોલ અને સન્માનની બાબતમાં સતત અવગણના કરવામાં આવી રહી છે, જે માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર મતવિસ્તારના સ્વાભિમાનનો પ્રશ્ન છે.
આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જો એક ચૂંટાયેલા ધારાસભ્યને સરકારી કાર્યક્રમોમાં યોગ્ય સ્થાન અને સન્માન ન મળે તો સામાન્ય નાગરિકોની રજૂઆતોને કેટલી ગંભીરતાથી લેવામાં આવતી હશે? રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.
ગાંધી ચોક ખાતે યોજાયેલા ધરણા દરમિયાન સમર્થકો અને સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સન્માન અને પ્રોટોકોલની અવગણના અંગે યોગ્ય જવાબદારી નક્કી કરવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર કાર્યક્રમો હાથ ધરી શકે છે.
આ સમગ્ર ઘટનાએ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર અને સરકાર આ મામલે શું વલણ અપનાવે છે અને ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો શું જવાબ આપે છે.



