MORBI:મોરબીમાં રહેણાક મકાન પર પોલીસનો દરોડો: જુગાર રમતા મહિલા સહિત ૮ શખ્સો ઝડપાયા







MORBI:મોરબીમાં રહેણાક મકાન પર પોલીસનો દરોડો: જુગાર રમતા મહિલા સહિત ૮ શખ્સો ઝડપાયા


મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ અને સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એક રહેણાક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી મહિલા સહિત કુલ ૮ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ સફળ કામગીરીથી જુગારિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી–૨ પીપડી રોડ પર આવેલા રોયલ પાર્ક શેરી નં. ૧ માં રહેતા ઇન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિના મકાનમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઉક્ત મકાનમાં રેઇડ કરી હતી.
પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી જુગાર રમતા મહિલાઓ અને પુરુષો મળીને કુલ ૮ શખ્સો રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય ત્રણ શખ્સોના નામ નીચે મુજબ છે: ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (રહે. આનંદનગર શેરી નં.૧, મોરબી) મુનાફભાઇ અલ્તાફભાઇ ખુરેશી (રહે. ક્રિષ્ણા પાર્ક શેરી નં.૧, વાવડી રોડ, મોરબી-૧) રામાભાઇ કેશુરભાઇ અમર (રહે. ગામ ટીબડી પાટીયા, તા.જી. મોરબી) પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.



