DAHODLIMKHEDA

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુણધા ગામે માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી

તા.૧૬.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુણધા ગામે માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. બાજીપુરા ફળિયામાં રહેતી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જવા માટે નીકળવું પડ્યું હતું, પરંતુ માર્ગમાં જ તેને ખુલ્લામાં પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે અહીંના ગ્રામજનો વર્ષોથી માર્ગની સુવિધા માટે વલખાં મારી રહ્યા છે. ચૂંટણી સમયે જે નેતાઓએ અંડરબ્રિજ બનાવવાની બાહેંધરી આપી હતી, તેઓ આજે સત્તામાં હોવા છતાં આ ફળિયાની દુર્દશા તરફ આંખ આડા કાન કરી રહ્યા છે. લોકોના જીવના જોખમે વિકાસની વાસ્તવિકતા છતી થઈ છે.લીમખેડાના કુણધા ગામના બાજીપુરા ફળિયામાં રહેતી સવિતાબેન રાવતને વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડી હતી. પરિવારજનોએ તાત્કાલિક આશા વર્કર મેનાબેન કટારાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. આશા વર્કરે તપાસ કરતા મહિલાની સ્થિતિ ગંભીર જણાતા 108 ને ફોન કર્યો હતો. પરંતુ ફળિયા સુધી વાહન પહોંચી શકે તેવો કોઈ પાકો રસ્તો જ ન હોવાથી મહિલાને ચાલીને જવું પડ્યું હતું. રસ્તામાં જ પીડા અસહ્ય થતા આશા વર્કરે અદમ્ય સાહસ દાખવી રસ્તા વચ્ચે જ પ્રસૂતિ કરાવી હતી. જો આશા વર્કર સમયસર ન પહોંચ્યા હોત તો માતા અને બાળક બંનેનું જીવન જોખમમાં હતું.આ વિસ્તારના 1200 થી 1500 લોકો માટે લીમખેડા પહોંચવા માટે અન્ય કોઈ માર્ગનો વિકલ્પ જ નથી. કોઈ પણ આકસ્મિક બીમારી કે પ્રસૂતિના સમયે ગ્રામજનોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગ્રામજનો લાંબા સમયથી અહીં અંડરબ્રિજ બનાવવા માંગ કરી રહ્યા છે. ચૂંટણી સમયે જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર અહીં સભા માટે આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ તેમને આ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. ત્યારે આ નેતાઓએ અંડરબ્રિજ બનાવવા માટે જાહેરમાં બાહેંધરી આપી હતી. પરંતુ આજે ચૂંટણીના લાંબા સમય પછી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે.નેતાઓની ખોખલી બાહેંધરી અને વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આજે એક સગર્ભા મહિલાને ખુલ્લામાં પ્રસૂતિ કરવાની ફરજ પડી છે. ગ્રામજનોમાં સાંસદ અને ધારાસભ્ય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, ચૂંટણી વખતે મતો માંગવા આવતા નેતાઓ પછી ક્યારેય ગ્રામજનોની સમસ્યાઓ સાંભળવા આવતા નથી. આ વિસ્તારમાં માર્ગ સુવિધાના અભાવે સગર્ભા મહિલાઓ અને બીમાર વૃદ્ધોને હોસ્પિટલ પહોંચાડવા માટે જીવના જોખમે સંઘર્ષ કરવો પડે છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં જવાબદારોની આંખ કેમ નથી ઉઘડતી તે મોટો પ્રશ્ન છે.હાલ તો આશા વર્કરની સમયસૂચકતાને કારણે માતા અને નવજાત શિશુ બંને સુરક્ષિત છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પાયાની સુવિધાઓ વગરના અંતરિયાળ વિસ્તારોમાં સામાન્ય નાગરિકોનું જીવન કેટલું જોખમી છે. શું માત્ર ચૂંટણી સમયે જ વિકાસની વાતો કરવી એ નેતાઓની જવાબદારી છે? તંત્ર દ્વારા જો તાત્કાલિક ધોરણે યોગ્ય માર્ગ બનાવવામાં નહીં આવે, તો આવનારા સમયમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ નક્કર કામગીરી કરે છે કે પછી પરિસ્થિતિ યથાવત રહેશે.

Back to top button
error: Content is protected !!