NANDODNARMADA

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, આયોજન અંગે બેઠક યોજાઈ

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, આયોજન અંગે બેઠક યોજાઈ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કક્ષાની ઉજવણી અંગે વિવિધ કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર ગંગાસિંઘે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તથા બહોળી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ યોગ કાર્યક્રમમાં જોડાવવા જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

 

નિવાસી અધિક કલેકટર સી.કે. ઉંધાડે યોગ દિવસની ઉજવણી માટે કરવામાં આવનાર વિવિધ વ્યવસ્થાઓ, સ્થળ વ્યવસ્થા, ઉપસ્થિતિ, પ્રચાર-પ્રસાર સહિતની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાશે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

 

આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણિયા, નાયબ કલેકટર પ્રિતેશ પટેલ, નાયબ કલેકટર વિધુ ખૈતાન, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.બી. દેસાઈ, દિનેશભાઈ ભીલ સહિત વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!