ચીન અને જાપાન હાલ મોટી કુદરતી આફતો આવી, 40 મિનિટમાં 8 વખત ધરતી ધ્રુજતા ચીનમાં હડકંપ

ચીન અને જાપાન હાલ મોટી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ 40 મિનિટમાં 8 વખત ધરતી ધ્રુજતા ચીનમાં હડકંપ મચી ગયો છે, તો જાપનમાં પણ 5.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ચીનમાં સૌથી શક્તિશાળી ઝટકાની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ચીનના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રશાસને તાત્કાલીક અસરગ્રસ્ત વિસ્તારમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરી દીધું છે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે. સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, કિંઘાઈ પ્રાંતમાં મંગળવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 6:40 વાગ્યે ભૂકંપનો પહેલો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર પ્રાંતની રાજધાની શિયાંગથી લગભગ 567 કિલોમીટર દૂર આવેલું હોવાનું જણાવવામાં આવ્યું છે.
શરૂઆતી માહિતી અનુસાર આ ભૂકંપમાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 4 લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સરકારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોતા નજીકની કોલસાની ખાણોમાંથી લોકોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. સરકાર જાન-માલના નુકસાન અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે. રિપોર્ટ અનુસાર, રાહત અને બચાવ કામગીરી માટે 2 સ્પેશિયલ ગાડી અને 10 કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હતાહત થયેલા લોકોની સંખ્યા જોયા બાદ સ્થાનિક પ્રશાસન આગળનો નિર્ણય લેશે.
બીજી તરફ, જાપાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર જાપાનના ઇબારાકી પ્રાંતમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જાપાન વેધર સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ મંગળવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 7:46 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી લગભગ 50 કિલોમીટરની ઊંડાઈએ આવેલું હતું.





