DAHODJHALOD

ઝાલોદમાં ભૂતિયા પાણીના કનેક્શનો કાપી નાખતા હોબાળો:પાલિકા તંત્ર એક્શન મોડમાં આવતા સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, માહોલ ગરમાતા પોલીસ કાફલો ખડકાયો

​તા.૧૭.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

zalod:ઝાલોદમાં ભૂતિયા પાણીના કનેક્શનો કાપી નાખતા હોબાળો:પાલિકા તંત્ર એક્શન મોડમાં આવતા સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, માહોલ ગરમાતા પોલીસ કાફલો ખડકાયો

વોર્ડ.2 માંથી કાર્યાવહીથી સ્થાનિકોનો રોષ ઝાલોદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર અને ભૂતિયા નળ કનેક્શનો સામે લાલઆંખ કરીને અચાનક જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને ચર્ચાનો માહોલ ગરમાયો છે. પાલિકા તંત્ર દ્વારા ખાસ કરીને વોર્ડ નંબર ૨ માં આવેલા કસ્બા વિસ્તારમાં એકાએક પીવાના પાણીના કનેક્શનો કાપી નાખવાની ઝુંબેશ શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી મુજબ, હાલમાં ઝાલોદ કસ્બા વિસ્તારમાં નવીન રસ્તા બનાવવાનું કામ પ્રગતિમાં છે.જે દરમિયાન પાલિકાના ધ્યાને આવ્યું હતું કે અનેક ઘરોમાં નિયમ વિરુદ્ધના ગેરકાયદેસર કનેક્શન ચાલી રહ્યા છે. જેને પગલે પાલિકાની ટીમે કોઈ પણ જાતની ઢીલાશ વગર તાબડતોબ આ કનેક્શનો કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ઉનાળાની સિઝન વચ્ચે પીવાના પાણીના કનેક્શન એકાએક કાપી નાખવામાં આવતા પાણીનો સપ્લાય બંધ થતાં સ્થાનિક મહિલાઓનો પિત્તો ગયો હતો અને જોતજોતામાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ સહિત રહીશોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોના ભારે આક્રોશ અને ઉગ્ર વિરોધને કારણે સ્થળ પર સ્થિતિ તંગ બની ગઈ હતી અને માહોલ ગરમાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મોરચો સંભાળ્યો હતો. પાલિકાની આ કડક કાર્યવાહી બાદ સમગ્ર ઝાલોદમાં એ વાત ચર્ચાનો વિષય બની છે કે, આખા શહેરમાં ભૂતિયા કનેક્શનો હોવા છતાં માત્ર વોર્ડ નંબર ૨ માં જ કાર્યાવહી થઈ છે.પરંતુ પાણી જેવા સંવેદનશીલ મુદ્દે પાલિકાની આ આકરી કાર્યવાહીથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપેલો છે.

Back to top button
error: Content is protected !!