
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ દ્વારા એક સરાહનીય પગલુ ભરવામાં આવ્યુ છે.એથર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલી જનતા હાઈસ્કૂલ શામગહાનનું લાખોનાં ખર્ચે સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યુ છે,જેનું આજરોજ રંગેચંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.આ નવીનીકરણથી સ્થાનિક ધોરણ 9થી 12નાં બાળકોના ભવિષ્ય માટે શિક્ષણનો એક નવો ઉજાસ પથરાશે.આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ, શામગહાન ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુનિલભાઈ ભોયે, તેમજ એથર કંપનીના ઓનર્સ અશ્વિનભાઈ દેસાઈ અને દિપકભાઈ મહેતા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન જનતા હાઇસ્કુલ શામગહાન શાળાની સાથે ગીતાંજલિ માધ્યમિક કન્યા છાત્રાલય, વલ્લભ કુમાર છાત્રાલય અને અદ્યતન ટોયલેટ બ્લોકનું પણ નવીનીકરણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ ખુશીના પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત સહિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સ્ટેજ ગજવ્યો હતો અને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.આ પ્રસંગે મુખ્ય અતિથિ પદેથી બોલતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, એથર ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના દાતાઓએ અંતરિયાળ એવા ડાંગ જિલ્લામાં શિક્ષણનો જે દીવડો પ્રગટાવ્યો છે તે અત્યંત સરાહનીય બાબત છે. તેમણે એથર કંપનીની આ કામગીરીને બિરદાવીને અપીલ કરી હતી કે ડાંગ જિલ્લામાં શિક્ષણ અને વિકાસનું આ કાર્ય અવિરતપણે ચાલતુ રહે.તેઓએ દાતાઓનો ડાંગની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે એથર ઇન્ડસ્ટ્રીઝનાં માલિક અશ્વિનભાઈ દેસાઈએ કાર્યક્રમમાં ભાવુકતા સાથે જણાવ્યુ હતુ કે, “ડાંગ જિલ્લો અમને ખૂબ જ ગમે છે અને અમે ડાંગને જ અમારી કર્મભૂમિ બનાવી છે. ભવિષ્યમાં ડાંગ જિલ્લામાં જે પણ શાળાઓ બનશે તે અત્યંત મજબૂત અને સુવિધાજનક બનશે.” આ સાથે જ તેમણે શાળાના આધુનિક નિર્માણની સાથે-સાથે પર્યાવરણ અને જંગલ બચાવવા માટે પણ લોકોને અનુરોધ કર્યો હતો.તેમણે ઉમેર્યું કે આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ અને ઓળખ ટકાવી રાખે તે જરૂરી છે.વધુમાં, તેમણે વિદ્યાર્થીઓને આજકાલના ડિજિટલ યુગમાં મોબાઈલથી દૂર રહીને માત્ર ભણતરમાં જ ધ્યાન આપવાની ખાસ શિખામણ આપી હતી.તથા તેઓએ જણાવ્યુ હતુ કે ઘણા વર્ષો પહેલા એટલે કે યુવાનીમાં શિરડી પદયાત્રામાં જતો હોય ત્યારે બે વખત જનતા હાઇસ્કુલ શામગહાનનાં કેમ્પસમાં રોકાયો હતો.ત્યારે જ વિચાર આવ્યો હતો કે આ શાળાની એક દિવસ તો હું રોનક બદલીને જ રહીશ અને તે વિચાર અને સ્વપ્ન આજે સાકાર થયુ છે. બીજી તરફ, એથર ઇન્ડસ્ટ્રીઝનાં દીપકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, એથર ઇન્ડસ્ટ્રીઝ માત્ર ડાંગ જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતનાં તાપી અને નવસારી જિલ્લામાં પણ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટા પાયે કામગીરી કરી રહી છે.વર્ષો અગાઉ જ્યારે તેઓ ડાંગની મુલાકાતે આવ્યા હતા અને આશ્રમશાળા જોઈ હતી, ત્યારથી જ અહીંના બાળકોને અદ્યતન શિક્ષણ આપવાનો તેમનો હેતુ મક્કમ બન્યો હતો, જે આજે ઘણી બધી શાળાઓના પુનઃનિર્માણ સાથે સાકાર થઈ રહ્યો છે.આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,શામગહાન ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ સુનિલભાઈ ભોયે,એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિનભાઈ દેસાઈ,પૂર્ણિમાબેન દેસાઈ,દિપકભાઈ મહેતા,વૈશાલીબેન મહેતા, જિલ્લા પંચાયતનાં સદસ્ય કમળાબેન રાઉત, તાલુકા સદસ્યોમાં ગોપાળભાઈ બંગાળ તથા ગુંન્તીબેન ગાંગુર્ડે,પ.પૂ.પી.પી.સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સુરતના જાણીતા ઇન્ટરનેશનલ પેરા સ્વિમર દેવાંશી રાણા, નેશનલ પેરા સ્વિમર અશોકભાઈ રાણા, પ્રોજેક્ટના આર્કિટેક્ટ ચેતનભાઈ પાટીલ સહિત સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




