THARADVAV-THARAD

થરાદમાં ટ્રાફિક ડ્રાઇવ કે ખુલ્લેઆમ ઉઘરાણી? ૫ રૂપિયાની પાવતી સામે ૧૦૦ રૂપિયાની વસુલાતથી ઉઠ્યા સવાલો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે હાથ ધરવામાં આવેલી ટોઈંગ ડ્રાઇવ હવે વિવાદમાં આવી છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ, ટ્રાફિક નિયમનના નામે ટોઈંગ કરવામાં આવેલા બાઈક માલિકો પાસેથી સત્તાવાર પાવતીમાં માત્ર ૫ રૂપિયાનો પાર્કિંગ ચાર્જ દર્શાવવામાં આવ્યો હોવા છતાં ૧૦૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.

 

મળતી માહિતી મુજબ, નગરપાલિકા દ્વારા વાહન છોડાવવા આવેલા વાહનચાલકો પાસેથી રોકડ ૧૦૦ રૂપિયા લેવામાં આવે છે, જ્યારે આપવામાં આવતી સત્તાવાર પાવતીમાં માત્ર ૫ રૂપિયાનો જ ચાર્જ દર્શાવવામાં આવ્યો છે. આથી વધારાના ૯૫ રૂપિયા ક્યાં જાય છે અને કયા નિયમ હેઠળ વસૂલવામાં આવે છે તેવા સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

 

વાહનચાલકોનો આક્ષેપ છે કે જ્યારે તેઓ વધારાની રકમ અંગે પૂછપરછ કરે છે ત્યારે કર્મચારીઓ દ્વારા પાવતીની પાછળ “સાહેબના કહેવાથી” જેવી નોંધ લખીને બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

 

નાગરિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે જો નગરપાલિકા દ્વારા ટોઈંગ ચાર્જ અથવા દંડ નક્કી કરવામાં આવ્યો હોય તો તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે અને નિયમો જાહેર કરવામાં આવે. જો પાવતીમાં માત્ર ૫ રૂપિયાનો જ ચાર્જ દર્શાવવામાં આવ્યો હોય તો વધારાની વસુલાત કયા કાયદા અથવા ઠરાવના આધારે કરવામાં આવી રહી છે તે અંગે જવાબદાર અધિકારીઓએ સ્પષ્ટતા કરવી જોઈએ.

 

આ સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નાગરિકો દ્વારા પારદર્શક તપાસની માંગ ઉઠી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ સમગ્ર ઘટનાને ટ્રાફિક ડ્રાઇવના નામે ખુલ્લેઆમ ઉઘરાણી ગણવામાં આવી શકે છે.

 

હાલ આ મામલે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો પક્ષ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થઈ શક્યો નથી.

Back to top button
error: Content is protected !!