તંત્રના પાપે પ્રજા મુશ્કેલીમાં : જૂનાગઢમાં વર્ષોથી મ્યુનિસિપલ વેરો ભરતા અને કાયદેસર મિલકત ધરાવતા પરિવારો પર વન વિભાગની ‘દેશનિકાલ’ જેવી નોટિસથી હાહાકાર!
૧૯૯૩થી નગરપાલિકા મંજૂરી આપી વેરો વસૂલે છે, તો વન વિભાગને ૪૦ વર્ષે કેમ ‘ગેરકાયદેસર દબાણ’ દેખાયું? સરકારી તંત્રોના પાપ અને સંકલનના અભાવે સેંકડો પરિવારો બેઘર થવાના આરે.

૧૯૯૩થી નગરપાલિકા મંજૂરી આપી વેરો વસૂલે છે, તો વન વિભાગને ૪૦ વર્ષે કેમ ‘ગેરકાયદેસર દબાણ’ દેખાયું? સરકારી તંત્રોના પાપ અને સંકલનના અભાવે સેંકડો પરિવારો બેઘર થવાના આરે.
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ડુંગર દક્ષિણ રેન્જના ખોડીયાર રાઉન્ડ હેઠળ આવતા દુબડી વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા અને નિયમિતપણે સરકારી વેરો ભરતા સામાન્ય નાગરિકો પર વન વિભાગે અચાનક કાયદાનો કોરડો ઝીંક્યો છે. વન વિભાગ દ્વારા સ્થાનિક રહીશોને ટૂંકી મુદતની કારણદર્શક નોટિસ ફટકારીને તેમને ‘ગેરકાયદેસર દબાણકર્તા’ જાહેર કરી દેવાતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. આ નોટિસે સરકારી તંત્રો વચ્ચેના આંતરિક તાલમેલના અભાવની પોલ પણ જાહેરમાં ખોલી નાખી છે.
સરકારી વિરોધાભાસ : એક તરફ ૧૯૯૩થી કાયદેસર હોવાના પુરાવા, બીજી તરફ હાંકી કાઢવાની નોટિસ!
સ્થાનિક લોકોનો સળગતો સવાલ એ છે કે જો આ જમીન વન વિભાગની હસ્તકની અને પ્રતિબંધિત અભયારણ્ય વિસ્તારની હતી, તો જૂનાગઢ મહાનગરપાલિકા અત્યાર સુધી કયા કાયદા હેઠળ આ વિસ્તારને મંજૂરી આપી ટેક્સ વસૂલતી હતી?
રહીશો પાસે ઉપલબ્ધ દસ્તાવેજો તંત્રની ગંભીર બેદરકારી સાબિત કરે છે.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પત્ર અને નગરપાલિકા કચેરી જૂનાગઢના રજીસ્ટ્રેશન નં. ૧૫૨-૬૩ મુજબ, વર્ષ ૧૯૮૩માં જ વિધિવત રીતે આ પ્લોટ/જમીનની મંજૂરી આપવામાં આવી હતી અને તેની નિયત રકમ પણ વસૂલવામાં આવી હતી.
નગરપાલિકા જૂનાગઢની કર વસૂલાત શાખાની વર્ષો જૂની કાયદેસરની પહોંચ (નં. 077712) સ્પષ્ટપણે રહીશોની કાયદેસરતાની સાક્ષી પૂરે છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચાલુ વર્ષ ૨૦૨૬-૨૦૨૭ ની મિલકત વેરાની રસીદ (નં. 122806, તારીખ: ૨૯-૦૫-૨૦૨૬) દર્શાવે છે કે તંત્ર આજે પણ આ મિલકતો પાસેથી સત્તાવાર રીતે વહીવટી કરવેરા ઉઘરાવી રહ્યું છે.
એક સરકારી તંત્ર છેલ્લા ૪૦ થી વધુ વર્ષોથી રહેઠાણને માન્યતા આપીને સિક્કાઓ મારીને વેરાની પાવતીઓ ફાડે છે, અને બીજું સરકારી તંત્ર અચાનક જાગીને તેને ગેરકાયદેસર જાહેર કરી ઘર ખાલી કરવા દબાણ કરે છે. તંત્રના આ બેવડા અને આંધળા વલણને કારણે નિર્દોષ નાગરિકો કફોડી સ્થિતિમાં મુકાયા છે.
માત્ર બે દિવસની મુદત આપી માનવતા નેવે મૂકાઈ!
આક્રોશિત રહીશોએ જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં માત્ર બે જ દિવસ જેવો ટૂંકો સમય આપવામાં આવ્યો છે. વર્ષોથી અને પેઢીઓથી રહેતા પરિવારોને પોતાના જૂના દસ્તાવેજો અને પુરાવા એકઠા કરવાનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો નથી. ચોમાસાની શરૂઆત જેવા કપરા સમયે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના માથા પરથી છત છીનવી લેવાની આ હિલચાલ તંત્રની ઘોર સંવેદનહીનતા દર્શાવે છે.
સ્થાનિકોમાં ઉગ્ર આંદોલનની ચીમકી
દુબડી વિસ્તારના પીડિત પરિવારોનું કહેવું છે કે તેઓ પેઢીઓથી અહીં કાયદેસર રીતે રહે છે અને તેમની પાસે નગરપાલિકાના ૧૯૮૩થી લઈને ૨૦૨૬ સુધીના તમામ પાકા પુરાવા છે. જો વન વિભાગ દ્વારા સ્થાનિકોના માનવ અધિકારો અને વર્ષો જૂના સત્તાવાર વસવાટને ધ્યાને લીધા વિના એકતરફી કે જોહુકમી પૂર્વકની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે, તો ન્યાય મેળવવા માટે રહીશો ઉગ્ર આંદોલન કરશે અને હાઈકોર્ટના દ્વાર ખખડાવશે.




