PANCHMAHALSHEHERA

ગોધરામાં એલસીબી પોલીસે હાઇવે પરથી ૧ કરોડથી વધુના વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે ડ્રાઇવરની ધરપકડ

 

પ્રતિનિધિ ગોધરા તા.18

નિલેશકુમાર દરજી શહેરા

પંચમહાલ જિલ્લાની ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગોધરા-જાફરાબાદ હાઇવે પર ન્યુ રામદેવ ચૌધરી ધાબાની પાછળ આવેલા પાર્કિંગમાં દરોડો પાડીને એક કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને રાજસ્થાન પાસિંગના RJ-14-GG-5172 એક બંધ બોડીના કન્ટેનરને ચારે બાજુથી કોર્ડન કરીને તપાસ કરવામાં આવી હતી. આ કન્ટેનરમાંથી જુદી-જુદી બ્રાન્ડની વ્હિસ્કી અને બિયરની કુલ ૪૧,૧૪૯ બોટલો તથા ટીન ભરેલી ૧૫૬૨ પેટીઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત ૧,૦૦,૩૦,૭૭૫ રૂપિયા થાય છે. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ ઉપરાંત ૩૦ લાખ રૂપિયાની કિંમતનું ટાટા કન્ટેનર અને ૨૦ હજારના બે મોબાઈલ ફોન મળીને કુલ ૧.૩૦ કરોડથી વધુનો તોતિંગ મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કન્ટેનરના ચાલક ખેમારામ રાઉતારામ બેનીવાલ રહે. બાલોતરા, રાજસ્થાનની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી. આ આંતરરાજ્ય દારૂના નેટવર્કમાં અન્ય ઈસમોની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે પકડાયેલા ડ્રાઈવર ઉપરાંત મુખ્ય સૂત્રધાર ગણાતા સહ-આરોપી અસલારામ ગોરસીયા, કન્ટેનરનો માલિક, દારૂ ભરેલું કન્ટેનર આપનાર શખ્સ અને આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર વિરુદ્ધ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!