ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લી : ઘોરવાડા-ઓઢા નવીન રોડનું કામ પ્રગતિ પર, પહેલા વરસાદે જ બ્રિજ પાસે ધોવાણ ; ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ , વાઘામાં સ્લેબપર વરસાદી પાણી ભરાયા – 

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ઘોરવાડા-ઓઢા નવીન રોડનું કામ પ્રગતિ પર, પહેલા વરસાદે જ બ્રિજ પાસે ધોવાણ ; ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ , વાઘામાં સ્લેબપર વરસાદી પાણી ભરાયા –

અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં લાખોથી લઈને કરોડો રૂપિયાના નવા રોડ-રસ્તાઓના કામ હાથ ધરવામાં આવ્યા છે. જોકે કેટલાક સ્થળોએ પ્રથમ વરસાદમાં જ ક્ષતિઓ સામે આવતા કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક રસ્તાઓનું કામ એસ્ટિમેટ મુજબ ન થવાને કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

મેઘરજ તાલુકામાં ઘોરવાડાથી ઓઢા ગામ તરફ જતો આશરે 1.20 કિલોમીટર લાંબો અને બે કરોડથી વધુ ખર્ચે મંજૂર કરાયેલો નવો રસ્તો હાલ નિર્માણાધીન છે. આ માર્ગ પર નદી ઉપર એક નાનો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ પ્રથમ વરસાદમાં જ બ્રિજની આગળ આવેલી પ્રોટેક્શન દિવાલ નજીક ધોવાણ થયાના દ્રશ્યો સામે આવતા રસ્તાના કામ અને તેની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે હજુ એક વધારાના ગરનાળાની જરૂરિયાત છે. જો યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા સાથે ગરનાળું બનાવવામાં આવે તો ભવિષ્યમાં આવા ધોવાણને અટકાવી શકાય તેમ છે. ગ્રામજનોનું કહેવું છે કે સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો રસ્તાની સુરક્ષા અને ટકાઉપણું જળવાઈ રહેશે.

બીજી તરફ આજ નવીન રસ્તા પર માલવિયા ફરિયા પાસે વાઘા પર સ્લેબ બનાવવામાં આવ્યો છે પરંતુ અહીં પરિસ્થિતિ કંઈક અલગ છે પ્રથમ વરસાદે જ ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયા છે પાણીનો નિકાલ કેમ નથી થતો અને કોન્ટ્રાકટરો એ સ્લેબ બનાવ્યો તો વિચાર્યું નહીં હોય કે પાણી નો નિકાલ કઈ રીતે થશે. હવે આ પણ અધિકારીઓ અને જવાબદાર તંત્ર નહીં સાંભળે કે શું.. કે પછી આમાં પણ કોન્ટ્રાકટરો ને બચાવશે

બીજી તરફ મેઘરજ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ કોન્ટ્રાક્ટરો સામે માત્ર તપાસ અને સલાહ-સૂચન સુધી મર્યાદિત કાર્યવાહી થતી હોવાના આક્ષેપો થયા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વિભાગ સ્થાનિકોની રજૂઆતોને ગંભીરતાથી લઈને જરૂરી સુધારાત્મક પગલાં ભરે છે કે પછી આગામી વરસાદમાં વધુ ધોવાણ થયા બાદ જ કાર્યવાહી હાથ ધરાશે.

Back to top button
error: Content is protected !!