MORBI:ઔદ્યોગિક ભરતીમેળાની સફળતા: મોરબીના યુવાનને સિરામિક સેક્ટરમાં ૩૦ હજારના પગારની રોજગારી




MORBI:ઔદ્યોગિક ભરતીમેળાની સફળતા: મોરબીના યુવાનને સિરામિક સેક્ટરમાં ૩૦ હજારના પગારની રોજગારી

સરકાર દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાના આયોજન થકી મહેન્દ્રનગરના ભુપેશભાઈ જોશીને ‘સિરામિક ઉદ્યોગ’માં મળી રૂ. ૩૦,૦૦૦ ના પગારની નોકરી
જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં યુવા શક્તિની ભાગીદારી સુનિશ્ચિત કરતા ઔદ્યોગિક ભરતી મેળા
રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનોને તેમની લાયકાત મુજબ રોજગારીની ઉમદા તકો ઘરઆંગણે જ મળી રહે તે માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત થતા ભરતીમેળાઓ મોરબીના અસંખ્ય યુવાનોના સપનાઓને સાકાર કરવાનું સશક્ત માધ્યમ બન્યા છે. રોજગાર કચેરીના આ પ્લેટફોર્મના માધ્યમથી મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા શ્રી ભુપેશભાઈ અરવિંદભાઈ જોશી આર્થિક રીતે પગભર બન્યા છે.

બી.એ. (Bachelor of Arts) સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ભુપેશભાઈ જોશીએ પોતાના ઉત્સાહજનક અનુભવો અને સફળતાની સાફલ્યગાથા શેર કરતા જણાવ્યું હતું કે, “હું લાંબા સમયથી મારી લાયકાતને અનુરૂપ એક સ્થિર અને પ્રતિષ્ઠિત નોકરીની શોધમાં હતો. આ દરમિયાન મને જિલ્લા રોજગાર કચેરી, મોરબી દ્વારા આયોજિત થનારા મેગા ભરતીમેળા અંગેની માહિતી મળી હતી. જેમાં મેં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ભરતીમેળામાં મોરબીના ‘સિમ્પોલો વિટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ’દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. રોજગાર કચેરીના પારદર્શી માધ્યમ અને મારી શૈક્ષણિક ક્ષમતાના આધારે આ કંપનીમાં ‘સી.એક્ઝિક્યુટીવ’ (C.Executive) ની મહત્વની પોસ્ટ પર મારી પસંદગી થઈ હતી.
હાલ આ એકમમાં ખૂબ જ ગૌરવભેર મારી ફરજ બજાવી રહ્યો છું. હાલ મને કંપની તરફથી માસિક રૂ. ૩૦,૦૦૦/- નો આકર્ષક પગાર મળી રહ્યો છે. સરકારના આ પ્રકારના આયોજનો મધ્યમવર્ગીય યુવાનો માટે આશીર્વાદ સમાન છે. કોઈ પણ ભલામણ વગર માત્ર મારી લાયકાતના આધારે આટલી સરસ નોકરી અપાવવા બદલ હું ગુજરાત સરકાર અને મોરબી જિલ્લા રોજગાર કચેરીનો હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.”
સ્થાનિક સ્તરે આટલી પ્રતિષ્ઠિત નોકરી અને સન્માનજનક આજીવિકા મળતા ભુપેશભાઈ જોશી અને તેમનો પરિવાર અત્યંત ખુશીની લાગણી અનુભવી રહ્યો છે. ભુપેશભાઈની આ સફળતા સાબિત કરે છે કે જો યુવાનો પાસે યોગ્ય લાયકાત અને ઉત્સાહ હોય, તો સરકારના માધ્યમથી ઘરઆંગણે જ રોજગારીની ઉત્કૃષ્ટ તકો ઉપલબ્ધ બને છે. સરકારના આવા સાર્થક આયોજનો ઉદ્યોગો અને કુશળ માનવબળ વચ્ચે સેતુ બનીને જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં યુવા શક્તિની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છે.




