
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ અંતર્ગત કલરવ સ્કૂલ ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત પોલીસના “ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ” અભિયાન અંતર્ગત મોડાસા ટાઉન પોલીસ, સાયબર ક્રાઈમ પોલીસ અરવલ્લી તથા SHE ટીમ દ્વારા મોડાસાની કલરવ સ્કૂલ ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, ઓનલાઈન છેતરપિંડી, ફેક લિંક્સ, OTP શેર ન કરવા, અજાણી વેબસાઈટ્સ અને એપ્લિકેશનોથી સાવચેત રહેવા સહિત સાયબર સુરક્ષાના વિવિધ મુદ્દાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત સાયબર ગુનાઓના વધતા જોખમો, તેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે નોંધાવવી, તેમજ 1930 હેલ્પલાઈન અને સાયબર ક્રાઈમ પોર્ટલ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને ડિજિટલ દુનિયામાં સાવચેતી સાથે આગળ વધવા પ્રેરિત કરવાનો હતો.





