HALOLPANCHMAHAL

હાલોલ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદથી જળબંબોળ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૬.૨૦૨૬

હાલોલ નગર સહિત સમગ્ર તાલુકામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ ગુરુવારથી વિધિવત ચોમાસાનું આગમન થયું હતું.ગરમીથી તોબા પોકારી ઉઠેલા નગરજનોએ વરસાદી માહોલથી રાહતનો શ્વાસ લીધો હતો, તો બીજી તરફ મેઘરાજાના આગમનથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતુ.જોકે શુક્રવારે વહેલી સવારે ૫:૦૦ વાગ્યાથી જ સુસવાટા મારતા પવન અને ભારે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ સાડા ચાર ઈંચ (૧૧૬ મીલીમીટર) જેટલો અનરાધાર વરસાદ ખાબકતા સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. નગરના માત્ર નીચાણવાળા વિસ્તારો જ નહીં, પરંતુ તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સીઝનના પ્રથમ વરસાદના આ રૌદ્ર સ્વરૂપને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.જ્યારે મેન બજારમાં આતશબાજી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.નગરના મેન બજાર સ્થિત સુથાર ફળિયા તરફ જવાના રસ્તા પર આવેલા વીજ થાંભલા પર વીજળી પડતા કે શોર્ટ સર્કિટ થતા, દિવાળીના ફટાકડા ફૂટતા હોય તેમ તણખા ઝર્યા હતા. આ ઘટનાને પગલે વીજ કંપનીની ટીમ દોડતી થઈ હતી અને કલાકોની જહેમત બાદ વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી શકાયો હતો. જોકે, સ્થાનિકોમાં એવી પણ ચર્ચા જોવા મળી હતી કે હાલોલમાં સામાન્ય વરસાદમાં પણ વીજ કંપનીની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી જાય છે અને લાઈટો ગુલ થઈ જાય છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી પીડાતા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ પ્રથમ વરસાદ ખેતીના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા સાથે ખેડૂતો વાવણીના કામમાં જોતરાયા છે.

Oplus_16908288

Back to top button
error: Content is protected !!