
300થી વધુ ઘરોના કનેક્શન ધરાવતી ગટર યોજના વારંવાર ઉભરાતાં ગ્રામજનોમાં રોષ, પાણીની સમસ્યા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ
ખેરગામ, : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાત્રી ગ્રામસભામાં ખેરગામ ગામની વર્ષોથી ચાલી આવતી ગટર અને પાણીની સમસ્યા ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. સ્થાનિક અગ્રણી લીનાબેન અમદાવાદીએ ગ્રામજનો વતી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ગામમાં આશરે 25 વર્ષ પહેલાં અમલમાં આવેલી ભૂગર્ભ ગટર યોજના હાલ ક્ષમતા કરતાં વધુ ભાર વહન કરી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ગટર વારંવાર ઉભરાય છે.તેમણે જણાવ્યું હતું કે 300થી વધુ ઘરોના કનેક્શન ધરાવતી આ ગટર યોજના જર્જરિત બનતાં ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે. પરિણામે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બનતી હોવાનું તેમણે મુખ્યમંત્રીના ધ્યાન પર લાવ્યું હતું.રાત્રી ગ્રામસભામાં પાણીની સમસ્યા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. ગામના કેટલાક વિસ્તારોમાં 300 ફૂટ સુધી બોર કરાવવા છતાં પૂરતું પાણી મળતું નથી. ઉનાળાની ઋતુમાં પાણીની તંગી વધુ વિકટ બનતી હોવાથી ગ્રામજનોએ કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ગ્રામજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે વર્ષોથી ચાલી રહેલી ગટર અને પાણીની સમસ્યાનો હવે યોગ્ય અને કાયમી આવશે આવશે.




