MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પાર્ટ-૨ વધુ ઉગ્ર બન્યું




MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પાર્ટ-૨ વધુ ઉગ્ર બન્યું

જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-૨: ત્રીજા દિવસે જંગ બન્યો આરપારનો; ૩ મહિલાઓ સહિત ૯ સત્યાગ્રહીઓ અમરણાંત ઉપવાસ પર

પોતાની પડતર માંગણીઓને લઈને ન્યાયની આશાએ લડી રહેલા જેતપરના ખેડૂતોનું આંદોલન આજે ત્રીજા દિવસે ભારે ઉગ્ર અને આક્રમક બન્યું છે. સમગ્ર જેતપર પંથક હાલ ‘જય જવાન, જય કિસાન’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો છે. ખેડૂતોના મક્કમ વલણને જોતા આ લડત હવે આરપારના જંગ તરફ આગળ વધી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આંદોલનના ત્રીજા દિવસે લડતને વધુ વેગ આપવા માટે એક મોટો વળાંક આવ્યો છે. ખેડૂતોના હક માટે આજે ૩ જગદંબા સ્વરૂપ મહિલાઓ (માતાઓ) અને ૬ ખેડૂત આગેવાનો મળીને કુલ ૯ સત્યાગ્રહીઓ અમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. ઉપવાસીઓએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સત્યાગ્રહ ચાલુ રહેશે.

“જ્યાં સુધી અમારી વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી આ અન્ન-જળનો ત્યાગ ચાલુ રહેશે. આ લડાઈ હવે માત્ર થોડા ખેડૂતો પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર ગામની અસ્મિતા અને સ્વાભિમાનની લડાઈ બની ચૂકી છે.”ગામલોકો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોનો અભૂતપૂર્વ અને વ્યાપક ટેકો મળી રહ્યો છે. જનતામાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશનો માહોલ છે.
ખેડૂતો અને મહિલાઓના આ આકરા અને મક્કમ વલણને પગલે સ્થાનિક વહીવટી તંત્રમાં પણ ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે ગાંધી ચિંધ્યા માર્ગે આદરેલા આ અમરણાંત ઉપવાસ બાદ પણ તંત્ર ઊંઘમાંથી જાગીને દોડતું થાય છે કે ખેડૂતોએ પોતાનો સંઘર્ષ હજુ વધુ તેજ કરવો પડશે.



