
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મધરાતે પાણી માટે વલખા મારતી વકાર્યા ગામની મહિલાઓ: પીવાના પાણીની સમસ્યાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં, હેડપંપ પર કલાકો સુધી રાહ જોવાની નોબત
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કામદ ગ્રામ પંચાયત હેઠળ આવેલા વકાર્યા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. વર્ષોથી પાણીની અછતનો સામનો કરી રહેલા ગ્રામજનો હવે મૂળભૂત જરૂરિયાત માટે પણ સંઘર્ષ કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને મહિલાઓને રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી હેડપંપ પાસે પાણી માટે રાહ જોવી પડતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં ઉપલબ્ધ હેડપંપમાં પાણીનું સ્તર અત્યંત ઓછું હોવાથી માત્ર ત્રણથી ચાર ઘડા ભરાયા બાદ પાણી ખૂટી જાય છે. પરિણામે મહિલાઓ કલાકો સુધી લાઈનમાં ઉભી રહેવા છતાં ઘણી વખત ખાલી હાથે ઘરે પરત ફરવાની ફરજ પડે છે. સતત સર્જાતી આ સ્થિતિને કારણે મહિલાઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામ માટે ફાળવવામાં આવતા પાણીના ટેન્કરો પણ નિયમિત રીતે પહોંચતા નથી, જેના કારણે પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. તાજેતરમાં મીની પાઇપલાઇન યોજના અંતર્ગત બે નવા બોર ફાળવવામાં આવ્યા હોવા છતાં ગામના પાણી સંકટનો ઉકેલ આવ્યો નથી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક બોર શાળાની નજીક બાળકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉતારવામાં આવ્યો હતો, જ્યારે બીજા બોર માટે ગામની બહાર એવી જગ્યા પસંદ કરવામાં આવી હોવાનું કહેવાય છે જ્યાં પહેલેથી જ પાણીની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રામજનોનો દાવો છે કે પાણીની ખરેખર તંગી ધરાવતા વિસ્તારોમાં બોર ઉતારવાની મહિલાઓની માંગ હોવા છતાં તેમની રજૂઆતને અવગણવામાં આવી હતી.
પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહિલાઓ સરપંચના નિવાસસ્થાને પહોંચ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, ત્યાં કોઈ હાજર ન હોવાનું અને સરપંચનો મોબાઇલ ફોન બંધ મળ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ ઘટનાથી ગામમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે નારાજગી વધુ વધી છે.
ગ્રામજનોનું કહેવું છે કે જો સ્થાનિક સ્તરે જવાબદાર લોકો જ સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ નહીં હોય, તો સામાન્ય નાગરિકોની મૂળભૂત જરૂરિયાતોનું નિરાકરણ કેવી રીતે આવશે તે મોટો પ્રશ્ન છે.
વકાર્યા ગામની મહિલાઓ અને ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેઓએ માંગણી કરી છે કે જ્યાં ખરેખર પાણીની જરૂરિયાત છે ત્યાં જ પાણી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવે અને ગામમાં નિયમિત પાણી પુરવઠાની અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
બોક્સ ન્યૂઝ
“રજૂઆત આવશે તો તાત્કાલિક કાર્યવાહી કરાશે” : જિલ્લા પંચાયત પ્રમુખ
આ મામલે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતએ જણાવ્યું હતું કે વકાર્યા ગામની પાણી સમસ્યા અંગે તેમની પાસે હજુ સુધી કોઈ સત્તાવાર રજૂઆત આવી નથી. જોકે, ગ્રામજનો તરફથી રજૂઆત પ્રાપ્ત થશે તો તાત્કાલિક વહીવટી તંત્રને સૂચના આપી ટેન્કર અથવા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.





