HALOLPANCHMAHAL

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૬.૨૦૨૬

૨૧મી જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો . આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી. કે. ટીંબડીયાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન આમંત્રિત યોગ નિષ્ણાત દ્વારા ઉપસ્થિત સૌને વિવિધ પ્રકારના યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓનું પ્રાયોગિક અને જીવંત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ પ્રસંગે યોગના વૈશ્વિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવવામાં આવ્યું હતું કે, યોગ એ માત્ર સામાન્ય વ્યાયામ નથી, પરંતુ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો એક સશક્ત માર્ગ છે. નિયમિત યોગાભ્યાસ કરવાથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે, માનસિક તણાવ દૂર થાય છે અને વ્યક્તિ હકારાત્મક ઉર્જા સાથે પ્રગતિશીલ જીવન જીવી શકે છે.કાર્યક્રમના અંતે, હાજર રહેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ નિયમિત યોગાભ્યાસ દ્વારા પોતાના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને જાળવી રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. આ સાથે જ સૌએ પોતાના દૈનિક જીવનમાં યોગને કાયમી સ્થાન આપીને એક સ્વસ્થ સમાજ અને નીરોગી રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની પવિત્ર પ્રતિજ્ઞા લીધી હતી.આ આયોજનમાં યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, વૈજ્ઞાનિકો, અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન અને આયોજન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, હાલોલના આચાર્ય ડો. પ્રભુ નાયકા તથા મદદનીશ પ્રાધ્યાપક સનત પટોળીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!