હાલોલની કલરવ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૬.૨૦૨૬
તા. 21 જૂન, 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કલરવ સ્કૂલ, હાલોલ ખાતે ગુજરાત યોગ બોર્ડના સહયોગથી ઉત્સાહભેર કરવામાં આવી હતી.આ વર્ષની યોગ દિવસની થીમ “Yoga for Healthy Ageing” (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) હતી, જે દરેક વયના લોકો માટે યોગના મહત્વને ઉજાગર કરે છે.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને યોગના મહત્વ અંગેના સંક્ષિપ્ત ઉદ્બોધન સાથે કરવામાં આવી હતી. ગુજરાત યોગ બોર્ડના પ્રશિક્ષિત યોગ માર્ગદર્શકો અને શાળાના વ્યાયામ શિક્ષક વિજયસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લઈ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે જાણકારી મેળવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ અને સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું.શાળાના સંચાલકો અને આચાર્ય એ ગુજરાત યોગ બોર્ડનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસ સ્વસ્થ જીવનશૈલી માટે અત્યંત આવશ્યક છે. કાર્યક્રમના અંતે સૌએ યોગને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવવાનો સંકલ્પ લીધો. આ રીતે કલરવ સ્કૂલ, હાલોલ ખાતે ઉજવાયેલ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય, શિસ્ત અને સકારાત્મક જીવનમૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવામાં સફળ રહ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સુમનભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતુ.














