વાવ થરાદ જિલ્લામાં પ્રથમવાર 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
રાજ્યના સરહદી અને નવ-નિર્મિત જિલ્લા મથક એવા થરાદ શહેરના આઈકોનિક રોડ, સર્કિટ હાઉસ નજીક આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય અને અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર થરાદ વિસ્તારના હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોએ વહેલી સવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્ર વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે “Yoga for Healthy Ageing” (સ્વસ્થ જીવન માટે યોગ) થીમ અંતર્ગત આ ભવ્ય સામૂહિક યોગાભ્યાસનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વયં લોકોને ખૂબ જ સરળ અને આત્મીય શૈલીમાં ‘ૐ કાર મંત્ર’નું ઉચ્ચારણ અને તેના વૈજ્ઞાનિક મહત્વની સમજ આપી મંત્ર શીખવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌ નગરજનોએ એકાત્મતા સાથે યોગાભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ ઉજવણીની ખાસ વિશેષતા એ હતી કે, કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો નાગરિકોએ થરાદના ‘T’ (Tharad) અક્ષરના આકારમાં સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા જાળવીને યોગ કર્યા હતા, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવપૂર્ણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે દેશના સીમાવર્તી ડિસ્ટ્રિક્ટ એવા થરાદના આંગણે ભવ્યતાથી ઉજવણી એ આનંદની વાત છે. આ પ્રસંગે હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા છે. થરાદ નવા જિલ્લાના નિર્માણ પછી પ્રથમવાર હોંશપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ નગરજનો અને આ વિસ્તારના જિલ્લાવાસીઓ જોડાયા હતા. અધ્યક્ષશ્રીએ તમામ નગરજનોને યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના વૈશ્વિક વિઝનની સરાહના કરતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જઈને, ‘વિશ્વની ધરોહર યોગ છે’ તે વાત સચોટ રીતે વિશ્વ સમક્ષ મૂકી છે. યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા પણ તેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેના જ પરિણામે આજે પૂરા વિશ્વની અંદર જન-જન સુધી યોગ પહોંચ્યો છે અને લોકોના નિત્ય કર્મની અંદર જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે.
જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી તુષાર જાની, અગ્રણી શ્રી નરેશજી ઠાકોર, સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.





