MORBI:મોરબી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો




MORBI:મોરબી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

મોરબી તાલુકાના ખાખરાળા ગામ પાસે વહેલી સવારે બે ટ્રકો વચ્ચે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં એક ૨૧ વર્ષીય યુવાન ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને તેનો જમણો પગ કપાઈ ગયો હતો. સારવાર દરમિયાન ટૂંકી વયના ચાલકનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૦ જૂનના રોજ વહેલી સવારે ખાખરાળા ગામ પાસે આવેલા મંદિર નજીક આ અકસ્માત સર્જાયો હતો. જીજે-૨૫-યુ-૫૩૫૭ નંબરના ટ્રકના ચાલક દીપક વિશ્વનાથ રજક (ઉંમર વર્ષ ૨૧, રહે. સતના, મધ્યપ્રદેશ) પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવી રહેલા જસનાથ ટ્રાન્સપોર્ટના ટ્રક-ટેલર (નંબર: આરજે-૩૯-જીબી-૧૫૨૮) સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે દીપકના ટ્રકનો આગળનો ભાગ ટેલરમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો, જેના કારણે તે કેબિનની અંદર જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર દોડી આવ્યું હતું. અંતે ભારે જહેમત બાદ ક્રેનની મદદથી કેબિનના પતરાં ચીરીને દીપકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ આઘાતજનક અકસ્માતમાં તેનો જમણો પગ કપાઈ ગયો હતો.લોહીલુહાણ અને ગંભીર હાલતમાં દીપક રજકને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે હાલ મોરબી તાલુકા પોલીસે મૃતક ટ્રક ચાલક દીપક રજક સામે જ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ મોટર વાહન અધિનિયમ (MV Act) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



