

ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના બાવરિયા ગામ નજીક પોઇચા સ્થિત નીલકંઠ ધામના દર્શનાર્થે જઈ રહેલા સુરતના એક પરિવારની કાર ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. કાર બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 6 સભ્યો ઘાયલ થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના નાનજીભાઈ ગલાણી પોતાના પરિવાર સાથે કારમાં પોઇચા દર્શને જઈ રહ્યા હતા. દરમિયાન ઉતરાજ અને બાવરિયા ગામ વચ્ચે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી ઉતરી જઈ બાવળના ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી.
આ અકસ્માતમાં નાનજીભાઈ ગલાણીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર પરેશભાઈ, પુત્રવધુ માયાબેન, 6 વર્ષનો હરિકૃષ્ણ, 8 વર્ષની દેવિકા, દક્ષાબેન તથા ભાણિયા નેવીલ સહિત કુલ 6 લોકો ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ અને 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શિનોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



