WAKANER:વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ યોજાયો




WAKANER:વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ યોજાયો

કલેક્ટરશ્રીએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ સહ પાઠવ્યા અભિનંદન; શાળા પરિસરની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ કર્યો

મોરબી જિલ્લામાં શૈક્ષણિક પ્રગતિના નવા આયામો સર કરવાના આશય સાથે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’ અંતર્ગત વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણના પ્રથમ પગથિયે ડગ માંડતા બાળકોને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ નવપ્રવેશી બાળકોના શૈક્ષણિક પ્રારંભને વધાવી તેઓને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.
કલેક્ટરશ્રીએ સમગ્ર શાળા પરિસરની મુલાકાત લઈ બાળકો માટેની સુવિધાઓનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. બાળકો સાથે સંવાદ કરી તેમની લેખન, વાંચન અને ગણન ક્ષમતા ચકાસી હતી અને તેમની સાથે કાલીઘેલી ભાષામાં વાત કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આંગણવાડી, બાળ વાટીકા, ધોરણ-૧ અને ધોરણ-૯ માં પ્રવેશ મેળવતા તમામ નવપ્રવેશી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી બાળકો દ્વારા ટ્રાફિક જાગૃતિ, કન્યા કેળવણી તેમજ લોક જાગૃતિનો પ્રેરક સંદેશ આપતી અભિવ્યક્તિઓ અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ અવસરે વાંકાનેરના મામલતદારશ્રી કે.વી. સાનિયા, પીજીવીસીએલ મોરબીના અધિક્ષક ઇજનેરશ્રી એચ.એમ. ભોજાણી, વાંકાનેરના આર.એફ.ઓ.શ્રી એમ.એન. કચોટ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




