PANCHMAHALSHEHERA

દલવાડા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં ભવ્ય ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો: ૩૫ બાળકોને શૈક્ષણિક કિટ આપી પ્રવેશ કરાવાયો

 

પંચમહાલ ગોધરા:-

નિલેશકુમાર દરજી શહેરા

 

તાલુકાની દલવાડા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે આજે ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ અંતર્ગત બાલવાટિકા અને અન્ય ધોરણોમાં થઈને અંદાજે ૩૫ જેટલા નવા વિદ્યાર્થીઓને ઉષ્માભર્યું સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હાજાભાઇ ચારણ દ્વારા નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રત્યેની અનોખી પ્રતિબદ્ધતા સાથે ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

 

ઉજવણીની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીનીઓએ પરંપરાગત સામૈયા સાથે આવેલા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય અને સ્વાગત પ્રાર્થના સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓએ જ ભારે આત્મવિશ્વાસપૂર્વક અને સુંદર રીતે કરીને સૌના દિલ જીતી લીધા હતા. પ્રસંગે શાળાના આચાર્ય હર્ષદભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોને શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક તેમજ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, શાળા પરિસરમાં આવેલું સરસ્વતી માતાજીનું ભવ્ય મંદિર શાળાની શોભા વધારવાની સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન પણ કરે છે.

 

આ પ્રસંગે મુખ્ય અતિથિ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હાજાભાઇ ચારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે બાળકોને નિયમિત અભ્યાસ કરવા પ્રેરણા આપી શાળાની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં દલવાડાના ડેપ્યુટી સરપંચ ગણપતભાઈ, કિરણસિંહ પગી, લાયઝન અધિકારી ગોવિંદભાઈ મહેરા સહિત શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલે ઉપસ્થિત સર્વે મહેમાનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!