GUJARAT

WAKANER:વાંકાનેરના ભેરડા ખાતે ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી અને હોમ ડિપાર્ટમેન્ટના ઉપ સચિવ કૌશલકુમાર બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

WAKANER:વાંકાનેરના ભેરડા ખાતે ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી અને હોમ ડિપાર્ટમેન્ટના ઉપ સચિવ કૌશલકુમાર બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ ભેરડા સરકારી શાળામાં પેવર બ્લોક નાખવા માટે સ્થળ પર જ રૂ. ૩ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી

૨૦૪૭ માં ભારતને વિકસિત રાષ્ટ્ર અને વિશ્વગુરુ બનાવવા શિક્ષણ અનિવાર્ય માધ્યમ: ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી

સોનેરી સમયનો સદઉપયોગ કરી ઉત્તમ માણસ બનવા ઉપ સચિવશ્રી કૌશલકુમાર બારોટનો બાળકોને અનુરોધ

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આંગણે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી અને ગૃહ વિભાગના ઉપ સચિવશ્રી કૌશલકુમાર બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓનું વહાલભેર સ્વાગત કરી શાળા પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓની સુવિધા અર્થે પેવર બ્લોક નાખવાની જરૂરિયાતને ધ્યાને લઈને ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ ત્વરિત નિર્ણય કરી સ્થળ પર જ રૂ. ૩,૦૦,૦૦૦/- ની ખાસ ગ્રાન્ટ ફાળવી ગ્રામજનોને મોટી ભેટ આપી હતી.

 

આ અવસરે ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ ભેરડા ગામના ધોરણ ૧૦ અને ૧૨ ના ઉત્કૃષ્ટ પરિણામ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલું કન્યા કેળવણીનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. દેશમાં શૈક્ષણિક ક્રાંતિના બળે આજે વિશ્વસ્તરે ભારતનો ડંકો વાગી રહ્યો છે, ત્યારે ૨૦૪૭ માં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર, વિશ્વગુરુ અને મહાસત્તા બનાવવા માટે પ્રત્યેક બાળક શિક્ષિત અને જવાબદાર નાગરિક બને તે અનિવાર્ય છે.

કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક પ્રવચન આપતા ઉપ સચિવશ્રી કૌશલકુમાર બારોટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું કે, શિક્ષણ જીવન ઘડતર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વાલીઓ અને શિક્ષકોના સપના સાકાર કરવા મહેનત કરો અને ભવિષ્યમાં દેશના એક ઉત્તમ અને ઉમદા માણસ અવશ્ય બનો. તેમણે શિક્ષકોને પણ બાળકોને સ્નેહપૂર્વક ભણાવવા અનુરોધ કર્યો હતો.

 

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી બી.એ. ભાલોડીયાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી તારલાઓનું વિશેષ બહુમાન કરાયું હતું. શાળાના બાળકોએ પણ આ પ્રસંગે પોતાના સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખશ્રી રમેશભાઈ વોરા, આર.ટી.ઓ.શ્રી ટી.બી. મકવાણા, જિલ્લા માહિતી અધિકારીશ્રી પારુલ આડેસરા, અગ્રણીશ્રી ચેતનગીરી ગોસ્વામી, ભેરડાના સરપંચશ્રી મનીષભાઈ, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ વિભાગના વહીવટી અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!