
વાલીયા તાલુકાના ગાંધુ કરા મેરા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો…
આજરોજ વાલીયા તાલુકાના ગાંધુ કરા મેરા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને સારું અને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે અને વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાજપ મોરચાના જિલ્લા મંત્રી મહેશભાઈ પાટણવાડિયા, માજી મહામંત્રી વિક્રમસિંહ રાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજે ઓચિંતી રીતે કરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્ટાફને સૂચના આપી હતી કે આજુબાજુના ગામોમાંથી આવતા લોકોને જરૂરિયાત મુજબ સારી અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સારો વ્યવહાર અને માનવીય અભિગમ રાખવામાં આવે.
આ ઓચિંતી મુલાકાતને લઈને આરોગ્ય વિભાગમાં પણ દોડધામ જોવા મળી હતી.
રિપોર્ટર ઇરફાન ખત્રી, રાજપારડી



